*જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ*
વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટિંગ અથવા રેશમનું કાપડ વપરાય છે. જેને સજાવવા માટે તૂઈ કે જરીનો ઉપયોગ થાય છે.
મંદિર ઉપર ધજા શા માટે? એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે, મંદિરએ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ (શિખા) સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજાએ રડાર જેવું કામ કરે છે.
દ્વારકાધીશના મંદિરમાં ચડતી બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે ચડાવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.
-મહેશ ઠાકર