Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#.... સોળ સંસ્કાર....#....

પરિવારને સૌથી પહેલાં તો જય ભોળાનાથ🙏🙏🙏

કેમ છો સૌ પરિજનો??
સુખમાં તો છો ને???
મહાદેવ સૌને હંમેશા મોજમાં રાખે...

ઘણા સમયથી લાંબી જ્ઞાનગોષ્ઠી કર્યાને ઘણો લાંબો સમય થઇ ગયો છે... નહીં???
તો ચાલો આજથી આપણે સોળ સંસ્કાર ના અતિઆવશ્યક જ્ઞાનનો સત્તર દિવસનો મહાયજ્ઞ શરુ કરીયે.
"હરિ"ના સૌજન્યથી યોજવામાં આવેલ આ જ્ઞાન યજ્ઞમાં સર્વે પરિજનોને ભાવભર્યું નિમંત્રણ આપું છું. હેતે પધારજો, અને છપ્પન ભોગ મ્હાયલા સોળ એવા સોળ સંસ્કાર રુપી જમણ ભાવથી જમજો. પાછાં હેતે હરિના ગુણ ગાજો...
સૌથી પહેલાં તો આપણે એ જાણીયે કે આ સોળ સંસ્કારોનું મહત્વ શું છે?
અને કયા કયા સોળ સંસ્કાર છે?
"કોઇ વસ્તુ કે પદાર્થને પોતાની મૂળ અવસ્થાથી વધારે સુંદર, મનોહારી બનાવવાની ક્રિયાને સંસ્કાર કહેવાય છે."
" કોઇ સાધારણ અથવા વિકૃત વસ્તુ-પદાર્થને વિશેષ ક્રિયાઓ દ્વારા ઉત્તમ બનાવવાની ક્રિયા એ જ સંસ્કાર."
પરમાત્માએ આપેલી અનેક સંપદાઓમાં માનવ શરીર પણ અમૂલ્ય બક્ષિસ છે. માનવ શરીર એ કેવળ પંચભૂતનું પૂતળુ નથી, તેમાં એક ચૈતન્ય પણ બિરાજે છે. જેને આપણે "આત્મા" કહીએ છીએ. એ ચૈતન્ય સાથે મળેલ મનુષ્ય દેહને જ્યારે યોગ્ય ક્રિયા-પ્રક્રિયા દ્વારા સંસ્કારીત કરી મહેકાવવામાં આવે છે, ત્યારે મનુષ્યદેહની સુંદરતામાં સુગંધ ભળે છે,અને આસપાસના અન્ય જીવોને પણ સુગંધિત કરે છે. મનુષ્યજીવનને મન, કર્મ, વચને પવિત્ર બનાવવું એ જ સંસ્કાર છે. આપણા દરેક વિચારો તથા પ્રવૃત્તિઓ મન દ્વારા ઉઠતા તરંગોને આધારે હોય છે, માટે મનને સંસ્કારિત કરવાની ખૂબ જરુર રહે છે. આપણા ઋષિમુનિઓએ માનવજીવનનું ઉંડું અધ્યયન કરી તેનો પૂર્ણ વિકાસ થાય, શરીર-મન-આત્માની સર્વાગીણ ઉન્નતિ થાય,એ માટે શાસ્ત્રોમાં સોનેરી સૂચનો કર્યા છે, અને જીવનચર્યાના નિયમો ઘડ્યા છે.
અને એ જીવનચર્યાના નિયમોને ઋષિઓએ સ્મૃતિ-ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યા છે, જેને આપણે સંસ્કાર કહીયે છિયે. એ સંસ્કારો અનેક પ્રકારના છે, પરંતુ જે સંસ્કારોની અસર માનવજીવન ઉપર સૌથી વધારે છે એવા સોળ સંસ્કારો મુખ્ય છે. આ સોળ સંસ્કારોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય, જેમ કે,"મલાપનયન, અતિશયાધાન અને ન્યૂનાંગપૂરક."

# મલાપનયન :- કોઇ પદાર્થ-વસ્તુને શુદ્ધ કરી પોતાના મૂળ રુપમાં લાવવાની ક્રિયાને "મલાપનયન" કહે છે. જેમ કે દર્પણ ઉપર રહેલી ધૂળને, ગંદકીને સાફ કરી દર્પણ સ્વચ્છ બનાવવું.

# અતિશયાધાન :- કોઇ વસ્તુ-પદાર્થને વધારે સુંદર બનાવવા બીજા પદાર્થનો સહયોગ લેવામાં આવે તેને "અતિશયાધાન" કહે છે. જેમ કે શુદ્ધ કરેલા દર્પણને રંગ-રોગાન કરી, ફ્રેમ લગાવી દીવાલે ટીંગાડવું.

# ન્યૂનાંગપૂરક :- શુદ્ધ અને સંસ્કારીત ઘણા પદાર્થોને ભેગા કરી કોઇ એક પદાર્થનું નિર્માણ કરવાની ક્રિયાને "ન્યૂનાંગપૂરક" કહે છે. જેમ કે તેલ, મરચુ, મીઠું, હળદર વગેરે મસાલાઓના ઉપયોગ વડે દુધીનું શાક બનાવવું.

ગર્ભધારણથી માંડી મૃત્યુપર્યંત જીવ-શરીર સાથે જોડાયેલી અશુદ્ધિને સાફ કરવી તથા વિશેષ ગુણોને ઉમેરવાની વિશિષ્ટ વિધિને સંસ્કાર કહે છે. માટે હિન્દુ ધર્મમાં આ સોળ સંસ્કારોનું ખૂબ મહત્ત્વ છે. એ સોળ સંસ્કાર છે...
મનુસ્મૃતિમાં કહ્યું છે, ‘जन्मना जायते शूद्रो संस्कारात्‌ द्विज उच्यते ।’ અર્થાત કે,"જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર એટલે કે અપવિત્ર હોય છે, પરંતુ જ્યારે તેના ઉપર વિવિધ સંસ્કારો કરવામાં આવે છે, ત્યારે તે દ્વિજપણાને પામે છે." જન્મથી કોઇ વ્યક્તિ હીન કે મહાન નથી, પરંતુ તેના ઉપર કરવામાં આવેલા સંસ્કારોથી તેની પાત્રતા-મૂલ્ય અંકાય છે.
શરીર ઉપર કરવામાં આવેલા સંસ્કારોને કારણે બળ, બુદ્ધિ, આરોગ્યની પ્રાપ્તિ થતી હોય છે. તન, મન અને જીવને લાગેલા દોષો, અશુદ્ધિઓ સંસ્કારના કારણે દૂર થયા બાદ જ વ્યક્તિ શ્રેય પ્રાપ્તિનો અધિકારી બનતો હોય છે.
વિશ્વના લગભગ તમામ ધર્મોમાં આ સંસ્કારોની પ્રથા કોઇને કોઇ રીતે જોવા મળે છે. જેમ કે મુસ્લિમોમાં સુન્નત, ખ્રિસ્તીઓમાં બેપ્ટીઝમ ઉપરાંત નામકરણ, વિવાહ, અંત્યેષ્ટિ જેવા સંસ્કારો પણ વિવિધ ધર્મોમાં પ્રચલિત છે.
આ સંસ્કારો કરવા પાછળનું કારણ વ્યક્તિમાં નવા ગુણોનું આરોપણ કરી વૈયક્તિક, સામાજિક અને આધ્યાત્મિક ઉણપોને દૂર કરી તેને સર્વાંગ સુંદર બનાવવાનો પ્રયાસ છે. આજે સમાજમાં જેટલી સુખ-સમૃદ્ધિ વધી છે, એટલી જ સામે અરાજકતા પણ વધી છે. આની પાછળનું કોઇ કારણ હોય તો તે સંસ્કારોની ઉણપ જ છે. આજના સમયમાં માણસને સંસ્કારીત કરવો જેટલું અનિવાર્ય બની ગયું છે, તેટલું જ આપણા ઋષિમુનિઓએ આપેલી સંસ્કાર પરંપરાની વિધિ અનિવાર્ય બની ગઇ છે. આ વિધિ પ્રત્યે ઉપેક્ષા સેવવા પાછળના માઠા પરિણામો સમાજ આજે ભોગવી રહ્યો છે.
આજે સમાજમાં કોઇ કોઇ જગ્યાએ વત્તા-ઓછા પ્રમાણમાં સંસ્કારોની પ્રથા જોવા મળે છે. પરંતુ એ સંસ્કાર પાછળનો હેતુ-ઉદ્દેશ અથવા તો વિધિ-વિધાન ન જાણવાને કારણે સાચી ફળપ્રાપ્તિ થતી નથી.
હિન્દુ ધર્મના પાયાની વિધિ ગણાતા સોળ સંસ્કાર પ્રત્યે થોડી જાગૃતિ ઉદ્‌ભવે તથા વિસરાઇ ગયેલી સંસ્કાર પદ્ધતિની જાણ થાય તેવા હેતુથી સોળ સંસ્કારની થોડી જાણકારી આપવા પ્રયત્ન કર્યો છે, જે સૌને અવશ્ય લાભદાયી થશે...

# આપણા હિંદુ ધર્મના સોળ સંસ્કાર નીચે પ્રમાણે છે.
૧. ગર્ભાધાન,
૨. પુંસવન,
૩. સીમન્ત,
૪. જાતકર્મ,
૫. નામકરણ,
૬. નિષ્ક્રમણ,
૭. અન્નપ્રાશન,
૮. ચૂડાકર્મ,
૯. કર્ણવેધ,
૧૦. ઉપનયન,
૧૧. વેદારંભ,
૧૨. સમાવર્તન,
૧૩. વિવાહ,
૧૪. વાનપ્રસ્થ,
૧૫. સંન્યાસ,
૧૬. અંત્યેષ્ટિ.

તો આવતી કાલે "ગર્ભધાન"થી શરુ કરી અને અનુક્રમે એક એક કરીને દરરોજ એક એમ દરેકે દરેક સંસ્કારોનું વિસ્તારપૂર્વક જ્ઞાન ગ્રહણ કરીશું. અને આપણી હિંદ સંસ્કૃતિમાં તરબોળ થઇશું...અને સત્તર દિવસનો મહાયજ્ઞ કરીશું.
તો...? સિપાહી તૈયાર????

હા હા... જય ભોળાનાથ.....
હર હર મહાદેવ.... હર......🙏🙏🙏

Gujarati Religious by Kamlesh : 111749511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now