ઘણાં વરસો થયાં ભીની અસરમાંથી નથી નીકળ્યો,
હજી હું લાગણી એ તરબતરમાંથી નથી નીકળ્યો.
અહીં છું એટલે એને હશે કે દૂર છું હું પણ,
હકીકતમાં તો હું એનાં નગરમાંથી નથી નીકળ્યો.
ભલે નીકળી ગયો છું કાફલામાંથી હું છટકીને,
છતાં ક્યારેય છટકીને સફરમાંથી નથી નીકળ્યો.
મને એક શબ્દ રોકીને ઊભો છે આંગણે એનાં,
કદી જે શબ્દ બીડેલા અધરમાંથી નથી નીકળ્યો.
ઘણી જગ્યાએ જોયો છે ઘણી વેળાં ઘણાંએ ને,
મને બસ એમ લાગે છે હું ઘરમાંથી નથી નીકળ્યો.
- બાબુલાલ ચાવડા 'આતુર'