પાસ બેસી વાત કરશું ચાલ મનવા ઘર ભણી.
ને નિરાંતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર ભણી.
રોશની આ શહેર કેરી રોજ ખૂંચે આંખમાં,
દ્વેષ ઈર્ષા ને કપટની ફાંસ ખૂંચે પાંખમાં;
બાળપણ ના વેશ ધરશું, ચાલ મનવા ઘર ભણી.
ને નિરાંતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર ભણી.
આજ બોલાવે કિનારા ને નદીના કાંકરા,
સાદ પાડે સીમ ખેતર ઝાડવાં ને ઝાંખરાં,
હાથમાં લઇ હાથ ફરશું ચાલ મનવા ઘર ભણી.
ને નિરાંતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર ભણી.
બાથમાં આંગણ ભરીને હૂંફ એની ઝીલશું,
પાથરેલા વેકરા માં ગોળ કંકર વીણશું;
ઓસરીની કોર ઠરશું, ચાલ મનવા ઘર ભણી.
ને નિરાંતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર ભણી.
સાંજ ટાણે ગામ પાદર ગાયું નાં ધણ ભાંભરે,
વાટ પકડી લ્યો વતનની ગામ પાદર સાંભરે,
ત્યાં જ જન્મ્યા ત્યાં જ મરશું ચાલ મનવા ઘર ભણી.
ને નિરાંતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર ભણી.
દાજી ચૌહાણ