અંધારાની ઐસીતૈસી
-રક્ષા શુક્લ
કબીર માફક ચાદર સીવો, અંધારાની ઐસીતૈસી.
હોય ભલે ને એક જ દીવો, અંધારાની ઐસીતૈસી.
તડકો-છાંયો, ભરતી-ઓટ ભલેને આવી સૌને તાવે,
ચકલીની ચાંચોમાં ધરપત લઈને સૂરજ રોજ હસાવે.
ઈશ્વરની એરણ પર ઉતરી ખરું, કો'ક કર્મોને વાવે.
ચ્હેરાની પૂનમને પીવો, અંધારાની ઐસીતૈસી.
હોય ભલે ને એક જ દીવો, અંધારાની ઐસીતૈસી.
ભીતર ભરચક, ભીનું ભીનું, ભાર વિના લ્યો, ઉડીએ આજે,
માંહ્ય પડેલા મબલખ મોતી તું ય પરોવી મલંગ થાજે.
મૈત્રીભાવનો મંત્ર લઈને 'જય હો' બોલો એક અવાજે.
તેજકિરણ થઇ ઝળહળ જીવો. અંધારાની ઐસીતૈસી.
હોય ભલે ને એક જ દીવો, અંધારાની ઐસીતૈસી.