પાંપણેથી પૂર જે પાછાં ધકેલાયાં હશે,
કોણ જાણે ક્યાં પછી એ જઈને રેલાયાં હશે!
પત્ર છેલ્લો કેમ પકડાયો હશે એ હાથથી,
આંખથી કેવી રીતે અક્ષર ઉકેલાયા હશે!
ઓરડાની અંધ એકલતાને એ ક્યાંથી ખબર,
આંગણા સાથે ય કેવા ખેલ ખેલાયા હશે!
માળિયેથી પણ નથી જડતાં હવે જૂનાં સ્મરણ,
ક્યાંક લાગે છે કે આડે હાથ મેલાયાં હશે.
કેટલાં વાને ઉલેચાયા હશે અંધાર ને,
કેટલા યત્ને પછી અજવાસ ફેલાયા હશે!
- બાબુલાલ ચાવડા 'આતુર'