શી ખબર આવું થશે ક્ષણવાર આલિંગન થકી!
દુર થશે સઘળોય મનનો ભાર આલિંગન થકી.
કંઇ વિચારી ને અમે પણ એમને વળગી પડ્યાં,
થઇ શકીશું કો'કનો આધાર આલિંગન થકી.
એજ આલિંગન થકી ખરડાયો છે કોલર હવે,
જે પ્રતિષ્ઠાનો થયો હકદાર આલિંગન થકી.
ઇચ્છતા'તા દિલ ઉપર વટભેર એ શાસન કરે,
પણ રચે છે એ નવી સરકાર આલિંગન થકી.
જાતને ભેટી અને મળવાની તક પામ્યા નહીં,
અન્ય સાથે થાય જે વ્યવહાર આલિંગન થકી.
ને કરે જો પીઠ પર તો કોણ છે સમજી જજો,
દુશ્મનો તો ક્યાં કરે છે વાર આલિંગન થકી !
@ રીનલ પટેલ
#hug_dayd