નદીના આવવાથી કેટલો હરખાય છે દરિયો!!
દિવાનો થઈ અને ચારે તરફ છલકાય છે દરિયો
ખબર નહિ કોને જોવાને ઉછળતો કૂદતો આવે
કિનારેથી થઈ માયુસ પાછો જાય છે દરિયો
નજર પહોંચે છે ત્યાં દેખાય છે સામ્રાજ્ય એનું બસ
છતાં પણ ખારવા સામે કદી મુંઝાય છે દરિયો
વિવશ થઈને ફકત જોયા કરે બીજું કરે પણ શું!
કદી જો માછલીની આંખમાં સૂકાય છે દરિયો
ક્ષિતિજને બાથમાં લઈ ઓગળી આકાશ થઈ જાતો
કદી એક છીપમાં મોતી બની સંતાય છે દરિયો
કિરણ 'રોશન'