બારડોલીના ડ્રાય પાતરા, ભાવનગરના ગાંઠિયા, સુરતના મસાલેદાર ખાજા, લોચો બનાવવાના પેકેટ, એક જગ્યાએથી આવતા સ્પેશિયલ મેથી વાળા ગાંઠિયા અને પાપડી, વિવિધ ફ્લેવરની સોન પાપડીનો સ્ટોક અમારા ઘરમાં ક્યારેય ખૂટતો જ નથી!

સૌથી સારી વાત આમાંની એકેય વસ્તુ હું ખરીદીને નથી લાવતી..😊

હા...આ દરેક શહેરમાં સૌરભના એક એક મિત્ર રહે છે અને એ લોકો જાતે આવીને કે કોઈ પણ એમનું ઓળખીતું માણસ અમારા શહેરમાં આવતું હોય ત્યારે એમને હાથ આ બધી વસ્તુઓ મોકલાવી જ દે... જ્યારે પણ આ પેકેટ્સ ખોલતી હોઉં ત્યારે એક અનોખો આનંદ આવી જાય, ભગવાનને થેંક્યું કહેવાઈ જ જાય કે, આ મતલબી દુનિયામાં ક્યાંક ક્યાંક આવા સારા માણસો પણ એમણે બનાવ્યા છે અને એમને અમારા પરિવારમાં મિત્ર રૂપે પણ ઉમેર્યા છે!

હવે ખાટલે મોટી ખોડ એ કે નાસ્તો કરવાના શોખીન મારા પતિદેવનું વજન વધી જાય એ એમને જરાય નથી ગમતું... એટલે એ હવે સાદું અને સાત્વિક ભોજન જ લે છે, ઘી પણ જરાય નથી લેતા ત્યાં તેલ વાળી, તળેલી વાનગી તો ખાય જ શેના! આજકાલના બાળકોને મેગી, સેન્ડવીચ અને પીઝા સિવાય કંઈ ભાવતું નથી. એમની પાસે સવારે નાસ્તો કરવાનો ટાઈમ પણ નથી હોતો...એટલે ફક્ત દૂધ અને થોડા ડ્રાયફ્રુટ ખાઈને કામ ચલાવી લે.

હવે આ બધું ખાય કોણ એ મારા માટે પચીસ માર્કનો સવાલ બની રહે... થોડું ઘણું હું લઇ લઉં... આપણે ડાયતિંગ નથી કરતા ખાલી બાયતિંગ 😂 પણ, એમાંય મારું ખાવાનું બહુ ઓછું... બધી વસ્તુ વધે જ વધે...એટલે પછી હું યાદ કરું કોને કઈ વસ્તુ બહુ ભાવે છે 🤔

યેસ...સાસુમાને ગાંઠિયા અતિ પ્રિય એટલે એ બધા પેકેટ એમની ચા સાથે જ ઠલવાય... એમનો નિયમ ડિશમાં લીધું એટલું પૂરું કરવાનો..હું એનો થોડો ફાયદો ઉઠાવી લઉં 😂 થોડુક વધારે જ આપી દેવાનું... મારા દિયરને ગળ્યું અને મસાલેદાર ભાવે એટલે એ જ્યારે અમારા ઘરે આવે ત્યારે અમુક આઇટમ એમને પકડાવી દેવાની, એમને પણ વજન ઘટાડવું છે..એટલે હું કે સૌરભ એમને કોઈ નાસ્તાના પેકેટ આપીએ તો એ ના જ કહે એની મને પાક્કી ખબર એટલે અહીંયા પણ હું મારી બુદ્ધિ વાપરી લઉં...હું મારા દીકરાને કહું, “લે આ તારા કાકાને આપી દે", કાકાને ભત્રીજો બહુ વ્હાલો, એને એ ‘ના' કહી ના શકે અને થોડા પેકેટ ત્યાં વપરાઈ જાય...😊

થોડું ઘણું ઘરે કામ કરવા આવતા માણસોને આપું અને એમ કરતાં કરતાં બધું ખાલી થઈ ગયું એવું વિચારતી જ હોઉં અને ત્યારે જ નવા નાસ્તાના પેકેટ હસતા હસતા મારા દરવાજે મારી રાહ જોઈને ઊભા હોય..!

ખેર જે પણ છે જીવનની એક મજા છે, ભગવાન પણ જાણે બધા સાથે ગમ્મત કરે છે...જે મરજી પડે એ ખાઈ લે છે એમનું વજન વધતું નથી અને જે બધામાં કેલરી ઘણી ઘણીને નામ પૂરતું ખાય છે એનું વજન ઘટતું નથી..😁

ચાલો ત્યારે આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏
#niyati

Gujarati Blog by Niyati Kapadia : 111304666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now