સાવ થઈને અજાણ્યા ફરીથી મળો તો મજા આવશે,
ઢાળ પહેલાં હતો એ નથી, પણ ઢળો તો મજા આવશે!
આમ તો ક્યારનાંયે ઘણે દૂર નીકળી ગયાં છો છતાં,
કંઈક સમજી - વિચારીને પાછાં વળો તો મજા આવશે.
જે રીતે ધ્યાન દઈ સાંભળ્યા છે તમે શબ્દ મારા સતત,
મૌન પણ આ ઘડી બે ઘડી સાંભળો તો મજા આવશે.
કંઈ જ બોલ્યા વિના કેમ તરફડવું એ આવડે છે મને,
એમ ચૂપચાપ બસ ત્યાં તમે ટળવળો તો મજા આવશે.
જુગજૂની માનતા છો તમે એમ કહું તોય ખોટું નથી,
ધૂંધળી શક્યતા છે છતાંયે ફળો તો મજા આવશે.
- બાબુલાલ ચાવડા 'આતુર'