એક જ વાક્યમાં કહી દઉં, આજ સુધી મેં જોયેલી બધી જ ગુજરાતી ફિલ્મમાં બેસ્ટ વાળી છે, “હેલ્લારો"

હાલ જ ફિલ્મ જોઈને ઘરે આવી અને સાચું કહું તો ફક્ત શરીર ઘરે આવ્યું છે મન તો હજી એ કરછના રણમાં ઊભુ બહેનોને ગરબા રમતી જોઈ રહ્યું છે! એમના ભાયડા કાયા થઈને જોઈ રહે તો રહે, કોઈ માતાજીની મહેર ગણી ચૂપ થઈ જાય તો જાય અને કોઈ કોઈ મરદ માણસ સ્ત્રીઓને ખરેખર જીવી રહેલી જોઇને ખુશ થાય તો ભલે થાય પણ અમે જીવવાનું નહિ છોડી દઈએ, દબાઈને, કચડાઈને નહિ જ રહીએ...એ જુસ્સો, એ ઉગ્રતા એમના ગરબાના એક એક સ્ટેપમા દેખાય છે, એક એક તાળીમાં સંભળાય છે અને હું એને હજી ત્યાં જ ઊભી જોઈ રહી છું...


આમ જોવા જઈએ તો વાત અહીં સ્ત્રી કે પુરુષોની નથી પણ કેટલાક મનની છે જે બન્નેમાં જોવા મળે છે. કેટલા લોકો એવા હશે જેને ખબર છે કે, શું કરવાથી એને ખુશી મળે છે! શું કરવાથી ખરેખર આ જિંદગી હું જીવી રહી/રહ્યો છું એવો અહેસાસ થાય છે અને એ જ કામ કરવાથી એને એના પોતાના જ લોકો શા માટે રોકાતા હોય છે? જવાબ મને નથી ખબર પણ તમે સમજી શકો તો વાત બહુ ઊંડી છે...માણસને ખુશ થવા માટે આખરે જોઈએ શું? સાવ નાની નાની ફેંકી દેવા જેવી વાત પણ જો કોઈની ખુશીનું કારણ બને તો લોકો એને સહન નથી કરી શકતા...અને આ લોકો એટલે કોઈ બીજા ગ્રહમાંથી આવેલા પરગ્રહવાસી કે બીજા દેશમાંથી આવેલા વિદેશી નથી હોતા...પણ એના જ ઘરના માણસો હોય છે! ક્યારેક કોઈ નાનકડી લાલચ, અવિશ્વાસ, ધૃણા, ગુસ્સો કે પ્રેમ પણ જવાબદાર હોય છે માણસને માણસથી અલગ પાડવા માટે...

આ જ ફિલ્મનો બેસ્ટ ડાયલૉગ,
“કેટલાક પુરુષોમાં માવડીએ સ્ત્રીના કાળજા મુક્યા છે એટલે જ દુનિયા ટકી છે."

હું કહીશ કેટલીક સ્ત્રીઓમાં પણ ભગવાને પુરુષ જેવા કઠણ કાળજા મુક્યા છે...જે ક્યારેય બીજાની વાત સમજવા તૈયાર નથી થતી અને પોતાની જીદ પર જ અડી રહી બીજા બધાને દુઃખી કરે છે!

ભગલો બનેલો મૌલિક, મંજરી બનેલી શ્રદ્ધા અને ઢોલી આ લોકોને જોઈને લાગે કે જાણે આવા માણસો આપણી આસપાસ જ ક્યાંય છે! બધાની એક્ટિંગ સુપર હિટ, ગુજરાતી બોલી મને ક્યાંય વાંધા જનક નથી લાગી... બધું જ સરસ.

હા... કેટલાક પુરુષોને કદાચ ફિલ્મ ઓછી ગમે પણ એ એમનો અંગત પ્રશ્ન છે, જે પોતાના ઘરની સ્ત્રીને જ માન ના આપી શકતા હોય, એનું મન ના જાણી શકતા હોય એમને આ ફિલ્મ નહિ જ ગમે...હા પણ ઓલા સ્ત્રીઓ જેવા કાળજાવાળા પુરુષોને ચોક્કસ ગમશે ?

“પહોળું થયું રે આજ પહોળું થયું,
સજ્જડ બંધ પાંજરું પહોળું થયું..."

બસ, આટલી જ વાત છે આખી ફિલ્મમાં...તમે સ્ત્રી હો કે પુરુષ તમારું પાંજરું છોડીને બહાર આવો, ખુલીને જીવતા શીખો એમાં કોઈ પાપ નથી...?
#niyatikapadia

Gujarati Blog by Niyati Kapadia : 111285996
Pankaj Rathod 4 year ago

ખૂબ જ સરસ ફિલ્મ છે આ જોવા લાયક

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now