સૌ પ્રથમ હૈયાને રાજી રાખવાનું હોય છે
એ પછી ઘર આપણું શણગારવાનું હોય છે
એક સગપણ રોજ તો નિભાવવાનું હોય છે
રાત સાથે રોજ મારે જાગવાનું હોય છે
જેમ અવગણના કરો એ એટલી ઝડપી વધે
માન, ઈચ્છાનેય કેવું આપવાનું હોય છે
ગૂંચ સંબંધોની પણ ઉકેલવી અઘરી નથી
બેઉ પક્ષે બે કદમ બસ ચાલવાનું હોય છે
એ બને વટવૃક્ષ સીધું, ને ખબર પણ ના પડે
લાગણીના બીજને ક્યાં વાવવાનું હોય છે
તું અનુસંધાન બીજે પ્રેમનું ના શોધજે
જ્યાં ગુમાવ્યું હોય ત્યાં એ પામવાનું હોય છે
એક લીલી વેલ જેવી દિકરી આપી પછી
ઈશ પાસે, શું બીજુ કંઇ માંગવાનુ હોય છે??
સ્મિત ફિક્કું, કરકસર હો એવું પણ હોઈ શકે
પહેલું કારણ, આંસુને સંતાડવાનું હોય છે
વાહવાહી એકઠી કરવા ગઝલ લખતો નથી
મૂળ તો મારા હૃદયમાં પહોંચવાનું હોય છે
સંદીપ પૂજારા