હા, હું રાવણ દહન કરીશ...
ચારેકોર રાવણ બાળો, રાવણ બાળોનો હોહાપો મચ્યો છે, પણ, રાવણ છે ક્યાં? મને તો એ દશાસન, વિદ્વાન, બાહુબલી ક્યાંય દેખાતો જ નથી. મને તો ફક્ત આજનો નિર્લજ્જ માનવી જ દેખાય છે અને એને જોઈને સાચો રાવણ પણ શરમાય.
રાવણે સીતાનું હરણ કર્યુ ત્યારે જ એનો સ્પર્શ કર્યો હતો ત્યાર પછી હંમેશા રાવણે સીતાની મરજી જ પૂછી છે. રાવણે એને સ્પર્શ પણ નથી કર્યો.આજનો રાવણ મરજી પણ નથી પૂછતો અને સ્પર્શ પણ નથી કરતો એ તો ફક્ત આંખોથી જ બળાત્કાર કરી તૃપ્ત થાય છે. જરા વિચારો એ સમયે એક સ્ત્રીની શું હાલત થતી હશે. પોતાના ઘરની બહેન, દિકરી સાથે જો કંઈ નાની વાત પણ બને તો લાકડા લઈને ઊભા રહી જાય. પરંતુ તમે કોઈની બહેન દિકરી ની ઈજ્જત તાર તાર કરો એમાં કશું જ ખોટું નથી લાગતું.
આપણો સમાજ દીકરીઓને કેમ રહેવું, કેમ જીવવું એ શીખવે છે પણ એક દિકરા ને કેમ કંઈ નથી શીખવતા કે બીજી સ્ત્રીઓ જોડે કેવું વર્તન કરવું.
પહેલાં તું રાવણ બનતા તો શીખ, એની તોલે આવી તો જો પછી રામ બની ને રાવણને મારવા નીકળજે.
અને હા એક વાત કહેવાની તો રહી જ ગઈ..
જ્યારે જ્યારે મને માનવીય નીચ રાવણ મળશે ત્યારે ત્યારે હું, આજની સ્ત્રી રામની રાહ ન જોઈશ, ન તો ધરતી માં સમાય જઈશ. મારા સ્ત્રીત્વ ના બાણ થી રાવણ વધ કરીશ.
હા, હું રાવણ દહન કરીશ.
-કુંજદીપ.