મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે..
હરિ તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે..
સૃષ્ટિમાંના બધા આગિયા દીપ પ્રજ્વલિત કરશે..
તમે રમ્યા જે રાસ.,રાતનું ચાંદ વિમોચન કરશે..
આજ લગી પુષ્પો? સંભાળે અભિવાદનની બાબત..
કિંતુ હરિવર આપણ કરશું સહુ ફૂલોનું સ્વાગત..
કદંબ ડાળે પાન ફરકતું એ રીતે ફરફરવું છે..
હરિ તમારાં વ્યક્તિત્વોનાં પાસાં સૂરજ ખોલે..
પછી પવન,આકાશ,ધરા ને પાણી થોડું બોલે..
સહુ કવિઓની બેઠક માટે પાથરશું બે લોચન..
હરિ તમારી ખાસ વ્યવસ્થા, મારું ર્હદય સિંહાસન..
આ જીવનથી પેલું જીવન કવિતાઓથી ભરવું છે..
તુલસી,મીરા,સૂર,કબીરા,વ્યાસ,શુક્ર,ટાગોર,
એવું નહીં કે બબ્બે બોલે,રાખશું ખુલ્લો દોર..
ઉ.જો.,સુ.જો.,ર.પા.,સુ.દ.,ને મરીઝની હો છાપ..
ધન્ય ધન્ય એ કવિઓ જેને રજૂ કરી દો આપ..
તમે વખાણો એ પંક્તિનું સ્મિત? પછી સંઘરવું છે..
સમય મજાનો કળિયુગથી લઇ સતયુગનો પરવડશે..
છેલ્લી કવિતા તમે બોલશો પછી જ પડદો પડશે..
બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઇશું..
પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઇશું..
આવા સુંદર અવસર કરવા લખચોરાસી ફરવું છે..
---------મુકેશ જોશી..