જો કહેવા જાઉં તો એવી ય નીકળશે ઘણી રાતો!
નહીં જન્મેલ સપનાઓ વિનાની વાંઝણી રાતો!
પછી અસ્તિત્વ એનું નૈં રહે સમજાવો કોઈ એને,
કરે છે રોજ આવીને સૂરજની માંગણી રાતો!
કહોવાઈને કચરો થઈ ગયેલા સર્વ દિવસો પર,
થયો અંધાર તો માખી બનીને બણબણી રાતો.
મટાડી ક્યાં શક્યું છે કોઈ એને આજ દિ સુધી
ગગનની આંખ પર કાળી થયેલી આંજણી રાતો.
તપાસ્યું તો મળ્યું છે માંડ અમને દુ:ખનું કારણ,
દિવસની ડોક પર ધાધર થઈ ‘તી; ને ખણી રાતો!
જીવનનું ઘર બનાવવાનો સમયને દઈ દીધો કંત્રાટ,
ક્ષણો લઈને દિવસ દિવસે ચણ્યો, રાતે ચણી રાતો.
લીધું અંધારનું કાળું સુંવાળું મખમલી રેશમ,
ભરત અજવાસનું એમાં ભરી ઝીણું, વણી રાતો.
~ અનિલ ચાવડા