સંધ્યા.....
જોને આ સંધ્યા કેવી ખીલી છે,
જાણે આસમાને રંગોળી ચીતરી છે.
ક્યાંક કલરવ કરતા વીહંગોએ,
ઘર ભણી છેલ્લી ઉડાન ભરી છે,
ને ગામને ગોંદરે ધણ છૂટ્યા છે,
તે પોતીકાને મળવા દોટ ભરી છે.
જોને આ સંધ્યા કેવી ખીલી છે,
જાણે આસમાને રંગોળી ચીતરી છે.
ક્યાંક ઠંડી હવાની લહેરખી ફરકે,
ક્યાંક શંખ નાદ ક્યાંક ઝાલર રણકે,
ક્યાંક ચૂલાના ધુંવાડા આભ ને આંબે,
જાણે સોડમ સુંઘવા સંધ્યા ભેળી થઈ છે.
જોને આ સંધ્યા કેવી ખીલી છે,
જાણે આસમાને રંગોળી ચીતરી છે.
ક્યાંક ગમાણે વાછરડા ભાંભરે છે,
ને બાલુડા ને સાંજે માઁ સાંભરે છે,
ક્યાંક ખડકીએ સંભારણા ભીતરી છે,
ને દરવાજે સાંકળ તો અમથી ચીતરી છે.
જોને આ સંધ્યા કેવી ખીલી છે,
જાણે આસમાને રંગોળી ચીતરી છે.
@ મેહૂલ ઓઝા