હમણાં થોડાંક દિવસો પહેલાં એક કૉમેન્ટ જોયેલી, એમાં કોઈ જગ્યાએ બોર્ડ મારેલું હતું,
“ Indians are not allowed"
મને એટલી ખીજ ચઢી ગયેલી આપણા લોકો ઉપર... આવું પાટિયું જોયાં બાદ કોઈ સાચો ભારતીય ત્યાં ફરવા જવાનું વિચારી જ કેમ શકે? એકતો લાખો રૂપિયા ખર્ચીને એમનાં દેશમાં જાઓ ત્યાં કોઈ વસ્તું ફ્રીમાં ના મળે...
કંઈ પણ ખરીદીને લેવા જાઓ એટલે આપણા રૂપિયા ચાલે નહિ. એક આઇસ્ક્રીમ કોન કે આજકાલના છોકરાઓનું ફેવરીટ કિંડરજોય ખરીદો અને પછી એને રૂપિયામાં મૂલવી જોવો તો ચારસો રૂપિયાની આસપાસ થઈ ગયું હોય!
ત્યાંની વસ્તુનો ટેસ્ટ બહુ સરસ હોય છે એવું કોઈ ના કહે એટલે જ મેં આઇસ્ક્રીમની સાથે કિંડરજોયનું ઉદાહરણ આપ્યું છે... કંઈ કંકોડાનોય ફરક નથી ટેસ્ટમાં સેમ વસ્તુ આપણા દેશમાં મળે જ છે! ત્યાં મળતી કોઈ પણ વસ્તુ (કપડાં, જૂતા, પર્સ, પરફ્યુમ) હવે તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી જ શકો છો તો જરૂર શી ત્યાં જવાની?
તમે વિચારો કે ત્યાંના લોકો સારા હોય, ભીડભાડ વગરની જગ્યાએ આરામથી ફેમિલી સાથે ફરી શકાય તો એ વાત પણ ભલીવાર વગરની જ છે. ત્યાંની પણ બધી જ જોવા લાયક જગ્યાએ તમને માણસોનું ટોળું જોવા મળશે જ અને એમાંના અડધાં આપણા જ દેશનાં હશે..! બાકીનામાંથી પણ અડધા એશિયન હશે અને બાકી બચેલા ત્યાંના લોકોમાંથી બે ત્રણ તો એવા નંગ હોય જ જે તમને કોઈ પ્રાણીસંગ્રહાલયમાંથી ભાગી આવેલા પ્રાણીને જોતું હોય એમ ઘુર્યા કરતા હોય..! તમારી બોલવાની સ્ટાઈલ, તમારો અવાજ, તમારી ઉઠવા બેસવાની રીત, તમારી ખાવાની રીત, તમારી એ લોકો સામે જોવાની રીત, તમારાં કપડાં પેરવાની રીત... અરે બાપા બધી ટાઈપની રીતનું ઝીણવટભર્યું અવલોકન કરતાં હોય... જાણે તમારી ઉપર પી.એચ.ડી. કરી રહ્યો હોય!
હા ત્યાંની ગ્રીનરી અને બર્ફીલા પહાડો વગેરે જોઇને મને એમ થતું કે કાશ આપણું કાશ્મીર સેફ હોત... અહીંયા જેવા જ મનોરમ્ય દૃશ્યો ત્યાં પણ જોવા મળી શકે પણ સેફ્ટીના અભાવે છેક આટલે લાંબા થવું પડે છે! આખો હિમાચલ પ્રદેશનો પટ્ટો ભલભલા વિદેશી લોકેશનને ટક્કર આપે એટલો સુંદર છે... પણ આપણને વિદેશ જઈને ફરી આવ્યા એવું કહેવડાવવું ગમે ને પાછું!
ઘણા લોકો એવું કહેતા હોય છે કે કોઈ એકવાર મને કહે કે અહીંથી જતો/જતી રહે તો હું જિંદગીભર ત્યાં પગ ના મૂકું! તમામ ભારતીયોનું આટલું મોટું અપમાન થતું જોઇને પણ ફક્ત ફરવા જવા માટે એ દેશમાં જવાનું તમને ગમશે?
ટુંકમાં દેશદાઝ કે બીજું જે કહેવાય એ મને છેલ્લા કેટલાક દિવસોથી ગુસ્સો અપાવી રહ્યું હતું પણ આજે તમારાં બધાની કાશ્મીર વિશેની સરસ સરસ પોસ્ટ વાંચીને મને આ લખવાનું મન થઈ ગયું.
પૃથ્વી પરનું સ્વર્ગ ફરીથી ભયમુક્ત અને ટોપનું પ્રવાસન સ્થળ બને એવી નિયતીની કામના...!
જય શ્રીકૃષ્ણ ?