ક્યાંક છપ્પન ઈંચની છાતીની વાતો થાય છે,
ક્યાંક વીરોનાં ઘરોમાં બંગડી નંદવાય છે.
ક્યાંક પીવાનુંય પાણી એક ટીંપુ ના મળે,
ક્યાંક ગોલ્ડન શાવરોથી બાથરૂમ છલકાય છે.
ક્યાંક ખુલ્લામાં જીવીને વાળ ભૂખરા થઇ જતાં,
ક્યાંક એ.સી. પાર્લરોમાં બ્રાઉન શેડો થાય છે.
ક્યાંક સોફે બેઠા-બેઠા હાથમાં ખાલી ચડે,
ક્યાંક વાસણ ઊટકી-ઊટકી આંગળા ઠરડાય છે.
ક્યાંક પડતું રાખેલી થાળીના ઢગલાઓ થતાં,
ક્યાંક ભૂખ્યું છોકરું એ થાળી ચાટી જાય છે.
ક્યાંક ખોળો ખૂંદનારા કાજ બાધાઓ થતી,
ક્યાંક મા દ્વારા જ અહીં નવજાત તરછોડાય છે.
ક્યાંક સૂરજની અહીં પૂજા થતી દિલથી 'નિનાદ',
ક્યાંક સૂરજની જ સાખે છાંયડા વેંચાય છે.
- નિનાદ અધ્યારુ