એ નદીમાં જયાં વમળ હોતા નથી,
ત્યાં વળાંકો પણ, સરળ હોતા નથી.
ભાવ એનો આમ જાણી તો શકો,
છે સરળ ઊંડા, અકળ હોતા નથી.
સાવધાની રાખવાનું રાખજે,
સાચવ્યાં ભીતર, ચપળ હોતા નથી.
પીડ જાણી'તી પરાઈ એમણે,
આંખ કોરી છે, સજળ હોતા નથી.
જો અહીં ઈચ્છા પછી બાકી રહે,
ભાર મૂકીને, અવળ હોતા નથી.
આયખું આખું ગયું સાગર તટે,
ડૂબવા સાગર, અતળ હોતા નથી.
આવતાં સાથે જવાના હોય એ,
પારખી નજરે, એ છળ હોતા નથી.
"કાજલ"
કિરણ પિયુષ શાહ