દૃશ્યનો વિસ્તાર માંગે છે હવે,
અટકળો આધાર માંગે છે હવે.
દર્દ પારાવાર માંગે છે હવે,
આંખ અશ્રુધાર માંગે છે હવે .
એક અસલ અણસાર માંગે છે હવે
માંહ્યલો ગિરનાર માંગે છે હવે !
ખૂબ ભટક્યા આ દિશાથી તે દિશા,
બસ... ટકોરા દ્વાર માંગે છે હવે !
ઝળહળાંથી એ હદે એ ત્રસ્ત છે,
દીવડો અંધાર માંગે છે હવે !
જળ સમી આ જિંદગીની જાતરા
ક્યાં કોઈ આકાર માંગે છે હવે ?
-Shabnam Khoja