આપણો સંત ક્લોઝ
હું પ્રાથમિક શાળા છું. હું આ ઘરનો મોભ... જયારથી નાતાલના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારથી આ વર્ગખંડો ફરતે વીંટાળીને એક જ સવાલ કર્યા કરે છે...
"સાન્તાક્લોઝ અમને શુ ગિફ્ટ આપશે?"
સવાલ તેનો વાજબી છે...
પરંતુ મારો જવાબ પણ વાજબી રહેશે...
જુઓ વ્હાલા વર્ગખંડો...
સાન્તાક્લોઝ આપણને ગિફ્ટ એક વાર નહીં રોજ રોજ આપે છે. આપણી ગોદમાં રોજ રોજ ખેલતાં અસંખ્ય બાળકો જ આપણાં સાન્તાક્લોઝ છે.
હું તો તેને સંત ક્લોઝ ગણું છું. આ બાળકો સંત જેવા છે, અને રહે છે આપણી ક્લોઝ...! સંત જેવા બાળકો આપણામાં પ્રવેશ કરે એટલે આપણે મ્હોરી ઉઠીએ છીએ, આપણને વસંત બક્ષે છે..
એ..ય... પહેલાં ધોરણના વર્ગખંડ.. તું કેમ ભૂલી જાય છે? મમ્મીનો પાલવ છોડીને સૌથી પહેલા તારી ગોદમાં બેસે છે આ બાળકો. તારી હૂંફ થી એ અને એના આગમનથી તું.... બંને આમ જ રોજ રોજ કિલકિલાટ કરો છો...! યાદ છે એના કેટલાય આંસુઓ તારા ફર્સ પર પડે છે અને મોતીઓ બની જાય છે... શુ એ મોતીઓ ગિફ્ટ નથી તારી?
અને હા આ સંતાક્લોઝની ગિફ્ટની તો હારમાળા છે...
ખિસ્સામાંથી વેરાતા ચણીબોર..
ચોકલેટ..
સંતાકૂકડીનો થપ્પો..
રિસામણા ને મનામણા..
મોરપિચ્છ...
અંચઇ...
લંચ વખતે વાતોના વડા...
મેદાનમાં પગ છોલાયા પછી, "કીડી મરી ગઇ" કહેતાને હાસ્ય વેરતો આપણો હાસ્યક્લોઝ...!
શુ આ આપણી ગિફ્ટ નથી?
અને વર્ગખંડોના ચહેરા પર હાસ્યની હેલી ચડી...!