ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે સ્વાભાવિક જ બધાંની નજર અર્ચના પર સ્થિર થઈ ગઈ. જનાર્દનભાઈએ અર્ચનાને કહ્યું, “તને ખબર હોય તો બોલી નાંખ. એણે કોઈ જવાબદારી અધૂરી છોડી હોય તો એ પૂરી કરવાની આપણને સમજ પડે!”
“સાચી વાત છે. તું જાણતી હોય તો તારે ખચકાયા વિના કહી દેવું જોઈએ.” પિનાકીનભાઈએ ટાપસી પુરાવી અને બાકીના સૌએ સમર્થન આપ્યું. બધાં જ અર્ચના તરફ જોઈ રહ્યાં અને એ કંઈક બોલે એની રાહ જોવા માંડયા.
પરંતુ અર્ચના કંઈ બોલવાને બદલે રડવા માંડી. જનાર્દનભાઈએ ઈશારાથી બધાંને કહ્યું કે એને એક વાર રડી લેવા દો. પરંતુ અર્ચના રડતી જ રહી. આંસુ આવવાના બંધ થઈ ગયાં તો પણ એ હિબકાં ભરીને રડતી જ રહી. છેવટે જ્યોતિબહેનથી ન રહેવાયું. એમણે અર્ચનાને કહ્યું. “હવે તો બોલ! તને શું ખબર છે?”
અર્ચના ધીમે રહીને બોલી, “મને કારણની તો ખબર નથી પણ મને એટલી જ ખબર છે કે ભાઈને પૈસાની કોઈ તકલીફ નહોતી...”
“તો શેની તકલીફ હતી?" જનાર્દનભાઈ સહેજ ગુસ્સાથી બોલ્યા.
એ તો મને ખબર નથી... મેં તો એટલું જ કહ્યું હતું કે પૈસાનું કારણ નહોતું. બીજું કોઈ કારણ હતું." અર્ચનાએ ખુલાસો કર્યો.
જ્યોતિબહેન એનો જવાબ સાંભળીને એની સામે જોઈ રહ્યાં. પણ એણે જ્યોતિબહેન સાથે આંખ મિલાવી નહીં! જ્યોતિબહેનને ખબર હતી કે અર્ચનાએ ફેરવી તોળ્યું હતું. એણે તો એમને સ્પષ્ટ કહ્યું હતું કે ઉદયે આત્મહત્યા કેમ કરી એનું ખરું કારણ એ જાણે છે. પરંતુ અર્ચના એકદમ ધીમેથી બોલી હતી અને જ્યોતિબહેન સિવાય બીજા કોઈએ એ સાંભળ્યું નહોતું. એથી જ્યોતિબહેન ચૂપ રહ્યાં. એમણે મનોમન વિચાર્યું કે પછી એકાંતમાં અર્ચનાને પૂછી જોઈશ.
જનાર્દનભાઈએ અર્ચનાને વધુ ચોકસાઈ કરવાના આશયથી પૂછયું, “ચાલ, તને કેવી રીતે ખબર પડી કે ઉદયને પૈસાની તકલીફ નહોતી?"
અર્ચનામાં જરાક જોર આવ્યું હોય એમ એ બોલી, “જે દિવસે આ બન્યું એની આગલી રાત્રે ભાભી રસોઈ કરતાં હતાં ત્યારે અમે બંને ભાઈ-બહેન અહીં બેઠાં બેઠાં વાત કરતાં હતાં ત્યારે એણે મને કહ્યું હતું કે, એ મોટાભાઈ માટે સોનાની વીંટી કરાવવાનો છે. એનો અર્થ જ એ કે એની પાસે પૈસા છે.... એટલે મેં કહ્યું કે એને પૈસાની તકલીફ નહોતી...”
બધાને લાગ્યું કે અર્ચના કદાચ સાચેસાચ આટલું જ જાણતી હોવી જોઈએ. પરંતુ પિનાકીનભાઈએ અર્ચના બોલતી હતી ત્યારે એના અને જ્યોતિબહેનના ચહેરા પરના ભાવનું બરાબર નિરીક્ષણ કર્યું હતું અને એમને એવી શંકા હતી કે અર્ચના કંઈક છુપાવી રહી છે. પરંતુ એ વખતે એ કંઈ બોલ્યા નહિ.
લગભગ અગિયાર વાગવા આવ્યા હતા. પિનાકીનભાઈ જવા માટે ઊભા થયા. મનહરભાઈ પણ એમને અનુસર્યા. સરોજબહેન અને વિનોદિનીબહેન પણ ઊભાં થયાં. જનાર્દનભાઈ ચંપલ પહેરી એમને નીચે સુધી મૂકવા ગયા. પરંતુ જયોતિબહેને દાદર પાસેથી જ ‘આવજો’ કહી દીધું અને પાછાં આવ્યાં. બારણા પાસે જ અર્ચના ઊભી હતી. દબાતાં અવાજે એ જ્યોતિબહેન પર ગુસ્સો કરતાં બોલી, “તમે ય ખરાં છો ને, ભાભી! મેં તો માત્ર તમને કહ્યું હતું. બધાંની વચ્ચે બફાટ કરવાની શી જરૂર હતી?"
“તેં મને નહોતું કહ્યું કે તને કારણની ખબર છે?” જયોતિબહેને પણ ચહેરા પર ગુસ્સાના ભાવ લાવીને કહ્યું.
“કહ્યું તો હતું... પણ એ તમને જ કહ્યું હતું... તમારે બધાંની વચ્ચે બોલવાની શી જરૂર હતી?" અર્ચનાએ સહેજ ગુસ્સા અને ચીડ સાથે કહ્યું.
“એમાં શું થઈ ગયું? તું જાણતી હોય તો તારે કહી દેવું જોઈએ...” જયોતિબહેને કહ્યું.
“જાણું તો છું... પણ બધાંની વચ્ચે કહેવાય એવું નથી.” અર્ચનાએ સહેજ સંકોચ સાથે કહ્યું.
“તો કંઈ નહિ, મને તો કહે... શું કારણ હતું?" જયોતિબહેને ઉત્સુક્તાથી પૂછયું અને પછી ઉમેર્યુ. “તું મને અને તારા મોટાભાઈને તો કહી જ શકે છે ને!”
“ના, ના! મોટાભાઈને પણ નહિ... પણ તમને કહીશ...” અર્ચનાએ સહેજ દબાતાં અવાજે કહ્યું.
“તો કહે ને..." જ્યોતિબહેન અત્યારે જ સાંભળવા માગતાં હતાં. પરંતુ દાદર પર ચંપલનો અવાજ આવ્યો એટલે અર્ચના એકદમ ધીમેથી બોલી, “પછી વાત... અત્યારે કશું જ બોલશો નહિ...”
એટલામાં જનાર્દનભાઈ આવી ગયા અને વાત અટકી ગઈ. કદાચ જનાર્દનભાઈ હજુ કંઈક પૂછપરછ કરશે. એવા ભયથી અર્ચના ઝટપટ સૂઈ ગઈ. પરંતુ એના મનમાં તો જ્યોતિબહેનને કેવી રીતે વાત કરવી એની જ ગડમથલ ચાલતી હતી. જનાર્દનભાઈના મનમાં પણ આ જ વિચારો ચાલતા હતા. ઉદયને ખરેખર કોઈ આર્થિક સમસ્યા ન હોય તો એવી કઈ સમસ્યા હોઈ શકે. જે એને આત્મહત્યા કરવા મજબૂર કરે? થોડું વિચાર્યા પછી એમણે મનોમન એમ કહીને પોતાનું મન મનાવી લીધું કે જે માણસ પોતાની સમસ્યા કોઈને કહે જ નહીં એને કોણ મદદ કરી શકે? ઉદયે એની મૂંઝવણ આપણને કરી હોત તો આપણે કંઈક પણ કરી શક્યા હોત! પરંતુ હવે કોઈ ઉપાય રહેતો નથી અને આ અંગે કંઈ વિચારવાનો પણ અર્થ નથી. જયારે પણ સાચી વાત બહાર આવશે ત્યારે જોયું જશે. જ્યોતિબહેન પણ આ જ વિચારમાં અટવાયાં હતાં. એમના મનમાં એક જ સવાલ ઘોળાયા કરતો હતો કે એવી તે કઈ વાતે હશે, જે એણે એનાથી મોટા ભાઈ-ભાભીને કરવાને બદલે એની નાની બહેન અર્ચનાને કરી હશે? એમણે ઘડીભર માટે તો બે ભાઈ વચ્ચે કોઈક અદ્રશ્ય દીવાલ ઊભી થઈ ગઈ હોય એવું લાગ્યું.
રિક્ષામાં બેઠા પછી પિનાકીનભાઈએ પણ મનહરભાઈને કહ્યું, “માન ન માન. અર્ચના કંઈક જાણે છે અને છુપાવે છે. જ્યોતિબહેનના ચહેરા પર પણ વંચાતું હતું કે અર્ચના કંઈક જાણે છે અને કહેતી નથી... તને શું લાગે છે...?”
“હું નથી માનતો કે અર્ચના કંઈ જાણતી હોય! મનીષાને અને જનાર્દનભાઈને ખબર ન હોય અને અર્ચનાને ખબર હોય એ વાત માન્યામાં આવે એવી નથી...” મનહરભાઈએ પોતાનો અભિપ્રાય આપ્યો.
ઘરે પહોંચ્યા ત્યારે લગભગ સાડા અગિયાર થયા હતા. સોનલ અને મનીષા બહાર વરંડામાં ખુરશી નાખીને બેઠાં હતાં. રોડ પરથી સ્ટ્રીટલાઈટનું ઝાંખું અજવાળું એમના પર આવતું હતું અને વરંડાની લાઈટ બંધ હતી. બંને હસતાં હતાં. મનહરભાઈએ પૂછયું. “અમને જોઈને હસતાં હતાં? શું વાતો કરી તમે બંનેએ?”
“અમે મનીષાના કૉલેજના પ્રેમીની વાત કરતાં હતાં!” સોનલ બેધડક બોલી.
મનહરભાઈ આંખો ફાડીને જોવા લાગ્યા અને વિનોદિનીબહેન પણ ત્યાં જ સ્થિર થઈ ગયાં. તરત જ મનીષા રીતસર ચીસ પાડીને સોનલને એક જોરદાર ધબ્બો મારતાં બોલી, “એ ય નીચ... શું બાફે છે?"
સોનલ તરત જ બોલી, “મને વાત તો પૂરી કરવા દે! અંકલ, કૉલેજમાં એક છોકરો મનીષાની પાછળ એકદમ લટ્ટુ હતો. એ બિચારો મનીષા પાછળ લટકી લટકીને લાંબો થઈ ગયો. પણ મનીષા એને બિલકુલ ભાવ આપતી નહોતી. એકવાર તો મનીષાએ એને કૉલેજ કમ્પાઉન્ડમાં રિસેસ વખતે બધાંની વચ્ચે લાફો પણ મારી દીધો હતો... એ મને હમણાં થોડા દિવસ પહેલાં મળ્યો હતો. હજુય મનીષાને ભૂલ્યો નથી અને એને યાદ કરે છે...”
મનીષા કૃત્રિમ ગુરસો કરતાં બોલી, “હવે જો એક પણ શબ્દ આગળ બોલીશ તો તને કાચી ને કાચી ખાઈ જઈશ.”
એમાં આટલી ગુસ્સે શું થાય છે? મને તો બિચારાની દયા આવે છે..." સોનલ કૃત્રિમ દયાનો દેખાવ કરતાં બોલી.
“બહુ દયા આવતી હોય તો તું જ એની સાથે લગ્ન કરી લે ને!” મનીષાએ સોનલને ચાબખો ફટકાર્યો.
“લે કર વાત! એ તો મારી સાથે પણ લગ્ન કરવા તૈયાર છે! પણ મારી શરતો એને આકરી લાગે છે... મારી સાથે લગ્ન કરવાં એ કોઈ કાચા-પોચાનું કામ છે?" સોનલ ખોંખારો ખાઈને બોલી.
પિનાકીનભાઈને એમની વાતમાં રમૂજ સાથે રસ પડયો. એ વરંડાવાળી પાળી પર ગોઠવાઈ ગયા અને સોનલને પૂછયું. “તારી એવી તે કઈ શરતો હતી કે એને આકરી લાગી?”
“અંકલ, શું કહું તમને? ખોટું ના લગાડશો. પણ મારો એવો અભિપ્રાય છે કે મોટા ભાગના પુરુષો અને લગભગ બધા જ છોકરાઓ ચમાર જેવા હોય છે...” સોનલના અવાજમાં એકદમ ગંભીરતા આવી ગઈ હતી.
“એટલે...?” પિનાકીનભાઈ સોનલની વાત સમજવાનો પ્રયત્ન કરતા હતા.
એટલે કે એમની નજર ચામડી પર જ હોય છે. છોકરી રૂપાળી કે દેખાવડી અને ગોરી હોય એટલે એ લોકો ત્યાં જ અટકી જાય છે. છોકરી કેવા વિચારોની છે. કેવા ગુણો એનામાં છે. કેટલી પ્રેમાળ છે એ બધું જ એમના માટે ગૌણ બની જાય છે. મને અત્યાર સુધી જે છોકરાઓ મળ્યા છે એમના વિષે મારો આવો જ અભિપ્રાય છે. એટલે જ મારી આકરી શરતો વડે હું એમને 'શૉક' આપું છું.”
“પણ તારી શરતો કઈ છે એ તો મને કહે! મને થોડો ‘શૉક' લાગવાનો છે?” પિનાકીનભાઈએ મજાક કરતાં કહ્યું.
સોનલે જવાબ આપ્યો, “હું જે છોકરાની વાત કરું છું એ પણ મનીષા દેખાવડી છે એટલે જ એની પાછળ પાછળ ફરતો હતો. બહુ જ પૈસાદાર ઘરનો છે એટલે એને એમ કે, પૈસાના જોરે એ બધું જ ખરીદી શકે છે. સાથે ભણતી છોકરીનો પ્રેમ પણ... પણ આપણાં મોનુબહેન એમ ને ભાવ આપે તો મોનુબહેન શાનાં? થોડા દિવસ પહેલાં એ મને મળી ગયો. મને કહે કે ચાલ, આપણે ક્યાંક બેસીને કોફી પીએ. અમે એક કાફેમાં ગયાં. અમે બેઠાં કે તરત એણે મને મોનુના સમાચાર પૂછ્યા. મેં એને તરત કહ્યું , “તને ખબર નથી? એનાં તો લગ્ન થઈ ગયાં અને અત્યારે એ વડોદરા છે...”
એણે મને કહ્યું, “એનું વડોદરાનું સરનામું અને ટેલિફોન નંબર આપ... હું એને અભિનંદન આપવા જઈશ.”
મેં કહ્યું, “હવે આવા વાસી અભિનંદન આપવાનો અર્થ નથી. મારી પાસે સરનામું છે. પણ હું તને નહિ આપું. એને ઘેર ટેલિફોન છે કે નહિ એની મને ખબર નથી. હોય તો મારી પાસે એનો નંબર નથી... અને હવે તું મોનુના સપનાં છોડી દે અને બીજી કોઈ સારી, મોનુ જેવી જ દેખાવડી છોકરી પસંદ કરીને પરણી જા...”
એ કહે, “મોનુ તો મોનુ જ છે... લાજવાબ! એના જેવી દેખાવડી છોકરી લાવવી ક્યાંથી?"
મેં તરત જ એનો હાથ ખેંચીને કહ્યું, “કેમ હું મોનુ કરતાં ઊતરતી છું? હું દેખાવડી નથી?... અંકલ, તમે નહિ માનો, પણ મેં એનો હાથ ખેંચ્યો તો એ ચોંકી ગયો અને હાથ છોડાવતાં બોલ્યો કે મને મોનુ કરતાં પણ તારો ડર વધુ લાગે છે...” આમ કહીને સોનુ ખડખડાટ હસી પડી.
“પણ તારી શરત...” પિનાકીનભાઈ ગાડી પાટા પર લાવવા મથતાં હતા.
“ઊભા તો રહો. એ જ કહું છું!” એમ કહીને એણે ખુરશી સહેજ પાછળ ખેંચી અને કહેવા લાગી. “મારાથી ડરવા જેવું શું છે? બોલ, વિચાર હોય તો કહે, આઈ એમ એન એલિજિબલ બેચલર..."
મને કહે, “તેં તો મને મૂંઝવણમાં મૂકી દીધો. મને જરા વિચારવા દે.. તારી પ્રપોઝલ વિચારવા જેવી તો છે જ!”
મેં તરત જ એને કહ્યું, “વિચારજે પણ એ પહેલાં મારી કેટલીક શરતો સાંભળી લે.”
“શરત....? અરે યાર, શરતોનો કોઈ સવાલ જ નથી. તારી જે શરતો હોય તે મને મંજૂર છે, બોલ.” એણે એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
“થેંક યુ! તારો ખૂબ ખૂબ આભાર! કારણ કે મારી શરતો સાંભળ્યા પછી કોઈ મારી સાથે વાત કરવા પણ ઊભું રહેતું નથી અને તું...” મેં આટલું જ કહ્યું એટલે બાપુ લાઈન પર આવી ગયા અને મને કહે, “અચ્છા, ચલ! બોલ, તારી શું શરતો છે?”
મેં એને કહ્યું, “મારી શરતો સાવ સીધી-સાદી છે. પહેલી શરત એ છે કે હું લગ્ન પછી પણ કાયમ જીન્સ અને ટી-શર્ટ જ પહેરીશ. મને સાડી કે બીજો કોઈ ડ્રેસ પહેરવાનો આગ્રહ નહિ કરવાનો. બીજી શરત એ છે કે હું ક્યારેય રસોઈ નહિ કરું. ત્રીજી શરત એ છે કે મારો અલગ બેડ-રૂમ હોવો જોઈએ. ચોથી શરત એ છે કે હું ક્યાં જાઉં છું અને ક્યારે આવીશ એવું મને પૂછવાનું નહિ. પાંચમી શરત એ છે કે મારી પાસે બાળક જોઈએ છે એવી ક્યારેય માગણી કરવાની નહિ. છઠ્ઠી શરત.....” હું છઠ્ઠી શરત બોલું એ પહેલાં તે એ ઊભો જ થઈ ગયો. મેં કહ્યું કે છઠ્ઠી શરત પણ સાંભળી લે. આ છેલ્લી શરત છે. મેં છઠ્ઠી શરત કહી, “લગ્નના દિવસે જ છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરીને મને આપી દેવાના...” સોનલ ખડખડાટ હસતી હતી. એ હસતાં હસતાં બોલી, “અંકલ, એ પછી એ એવો તો ભાગ્યો કે પાછું વાળીને જોયું પણ નહિ... અને અંકલ, કોફીનું બિલ પણ મારે ચૂકવવું પડયું... હવે મને મળશે ત્યારે કોફીના વીસ રૂપિયા હું એની પાસેથી માંગી લઈશ...”
“પણ સોનલ... તારી શરતો તો ખરેખર આકરી છે. મને સાંભળીને જ શોક લાગી ગયો. અને તું આવી શરતો રાખીશ તો કોણ તારી સાથે લગ્ન કરશે?" પિનાકીનભાઈએ સહજ શંકા કરી.
અંકલ, તમે સમજો. મારે લગ્ન નથી કરવાં એટલે જ હું આવી શરતો મૂકું છું...”
કેમ, લગ્ન કેમ નથી કરવાં? આખી જિંદગી કુંવારી રહેવાની છું?” પિનાકીનભાઈએ ઝીણી આંખ કરતાં કહ્યું.
“આખી જિંદગીની વાત તો ખબર નથી... પણ અત્યારે તો લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. ભવિષ્યમાં વિચારવાનું થશે ત્યારે જોયું જશે!” સોનલે બેફિકરાઈથી કહ્યું.
“પણ લગ્ન નહિ કરવાનું કોઈ કારણ?" પિનાકીનભાઈ જાણ્યે-અજાણ્યે સોનલના વિચારોથી કંઈક અંશે આકર્ષાયા હતા અને એથી જ એની વાતો સાંભળવા પણ ઉત્સુક હતા.
સોનલે કહ્યું. “આ પ્રશ્ન બહુ નાજુક છે અને એને માટે તો લાંબી વાત કરવી પડે. પણ ટૂંકમાં કહું તો અંકલ, આપણે લોકો લગ્નનો અર્થ જ હજુ સમજ્યાં નથી. લગ્ન થાય એટલે પતિ માલિક બને અને પત્ની એની દાસી એવું જ આપણે માનીએ છીએ. મારું માનવું તો એવું છે કે લગ્ન એ ઝાંઝવાના જળ જેવું છે. અમુક સુખ મળશે એવું માનીને લગ્ન કર્યા પછી એવું સુખ ભાગ્યે જ મળે છે. લગ્ન કરીને સુખી થયા હોવાનો ડોળ કરનાર દરેક વ્યક્તિને પૂછી જોજો કે તમે ખરેખર સુખી છો? એક હજારમાંથી એકાદ જણ જ સુખી હશે. અંકલ, ખોટું ના લગાડશો, પણ તમે આ સવાલ તમારી જાતને જ પૂછી જોજો.”
“હું તો સુખી છું અને મને લગ્ન કર્યાનો કે સંસાર માંડ્યાનો કોઈ અફસોસ નથી!” પિનાકીનભાઈએ સહેજ પણ ખચકાટ વિના કહ્યું.
“તો પછી અંકલ, એનો અર્થ એ કે કાં તો તમે અપવાદ છો અથવા તમે ખોટું બોલો છો!” સોનલ એના અભિપ્રાયમાં બિન્ધાસ્ત હતી. એણે કહ્યું, અંકલ, સાચી વાત તો એ છે કે લગ્ન કરીને પણ આપણે જ આપણાં દુઃખો પેદા કરીએ છીએ અને પછી એ દુઃખોને ગળે વળગાડીને ફરીએ છીએ અને પછી એવો દંભ કરીએ છીએ કે આપણે દુઃખી નથી!"
અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા મનહરભાઈ વચ્ચે બોલ્યા, “પિનાકીન, આ છોકરીની વાતમાં તથ્ય છે. એની વાત વિચારવા જેવી છે!"
“તમે ય શું પપ્પા? આ વાંદરીને નિસરણી આપો છો! એ તો આખી રાત એના ડહાપણની ફિલોસોફી ઝાડતાં થાકશે નહિ... ચલ, ઊભી થા! એમ કહીને મનીષાએ સોનલને હાથ પકડીને ખેંચી. ઊભા થતાં થતાં સોનલે કહ્યું, “હાથ તો છોડ! મારે અંકલ સાથે જરા વાત કરવી છે!” એમ કહીને એણે મનહરભાઈ સામે જોયું.
મનીષાએ હાથની પકડ ઢીલી કરી એટલે એ મનહરભાઈ પાસે આવી અને કહેવા લાગી, “અંકલ, મારું કામ પૂરું થઈ ગયું. મારે કાલે સવારે નીકળવું છે."
મનહરભાઈને ઈચ્છા થઈ કે એ સોનલને રોકાઈ જવાનું કહે અને યજ્ઞ-વિધિ પતી જાય પછી એટલે કે શનિવારે અથવા રવિવારે રાત્રે એમની સાથે જ નીકળે. પરંતુ સોનલ કદાચ એમની વાત ઉડાવી દે એવા ભયથી કંઈ બોલ્યા નહિ. પરંતુ એમના મનની વાત પિનાકીનભાઈએ કહી દીધી. મનહરભાઈ કંઈ બોલે એ પહેલાં જ એ જ બોલી ઊઠયા, “સોનલ, અમારાં બધાંની ઈચ્છા એવી છે કે તું બે-ત્રણ દિવસ રોકાઈ જાય. યજ્ઞ-વિધિ પતિ જાય પછી મનહર, ભાભી અને મનીષાની સાથે જ મુંબઈ જા... અને હજુ મારે તો તારી સાથે ઘણી વાત કરવી છે...”
સોનલે મનીષા તરફ જોયું. મનીષા પણ આંખથી જાણે કહી રહી હતી, “રોકાઈ જા ને!” સોનલે મનીષાની આંખોમાં વાંચી લીધું અને બોલી, તો પછી મારે કાલે પેલી જાડી પરમજિતને ફોન કરી દેવો પડશે. નહિતર એ વિચારશે કે આ સોનુડી કોઈકને લઈને ભાગી ગઈ કે શું?" અને સોનલ ખડખડાટ હસી પડી.
રાત્રે મોડા સુધી બધાં વાતો કરતા રહ્યાં. બધાને સોનુની વાતોમાં રસ પડવા માંડયો હતો. પિનાકીનભાઈના મનમાં એકવાર તો એવો સવાલ પણ થયો કે સોનુ અને મનીષાના સ્વભાવમાં આભ-જમીનનો તફાવત છે. છતાં બંનેને આટલું સરસ બને છે કઈ રીતે? એકવાર તો એમણે આ પ્રશ્ન સોનલ અને મનીષાને પૂછ્યો પણ ખરો. મનીષાએ તરત જ જવાબ આપ્યો, “તમને કોણે કહ્યું કે મારે એની સાથે સારું બને છે? મને તો એ દીઠી ગમતી નથી!” મનીષાએ નટખટ જવાબ આપ્યો. પિનાકીનભાઈ તરત બોલી ઊઠયા, “તું સોનલના આવ્યા પછી બોલતી થઈ અને અત્યારે આટલું બોલી એ જ બતાવે છે કે સોનલ સાથે તારું મન કેટલું મળી ગયું છે. શું કહે છે તું સોનલ?" એમણે સોનલ તરફ ફરીને કહ્યું.
સોનલ જાણે કોઈક ગહન ઊંડાણમાંથી બોલતી હોય એમ એણે જવાબ આપ્યો, “અંકલ, આપણે સ્વભાવ અને રસ-રુચિ જેવી બાબતો વડે સંબંધોનો તાળો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં જ ભૂલ કરીએ છીએ. જે સંબંધોનો આધાર સ્વભાવનો મેળ કે રસ-રુચિ હોય એ સંબંધો ચિનાઈ માટીના કપ જેવા તકલાદી હોય છે. મારો અને મનીષાનો સંબંધ એ કારણ વગરનો સંબંધ છે અને એથી જ એ ઝટ સમજાય તેવો નથી..."
સોનલની વાત સાચી હતી એવું તો પિનાકીનભાઈને પણ લાગ્યું. એમના અને મનહરભાઈના સંબંધો પણ એવા જ હતા. પણ એમણે અત્યાર સુધી આવું કંઈ વિચાર્યું નહોતું.
અચાનક સોનલ બોલી ઊઠી. “મોનુ, એક કામ કરીએ. કાલે આપણે તારા ઘેર જઈએ. તારી નણંદ અર્ચનાની તેં મને વાત કરીને, એને પણ મળીએ અને તારાં જેઠ જેઠાણીને ય મળીએ. બોલ, જઈશું ને? થોડું આઉટિંગ પણ થઈ જશે."
સહેજવાર મનીષાએ કંઈ જવાબ ન આપ્યો પછી ડોકું ઘુણાવીને હા પડી. સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં અર્ચના વિશે મનીષાએ શું કહ્યું હશે અને સોનલ પણ અર્ચનાને મળવા શા માટે ઉત્સુક હશે એ વિષે અચાનક એક હળવું વાવાઝોડું ફૂંકાઈ ગયું.