મમ્મીને હવે નવાઈ લાગી નહીં, એણે બીજી ચા મૂકી. મમ્મીને હળવેથી ધક્કો મારીને થોડી દૂર કરતાં એમના હાથમાં રહેલી સાણસી અને ગરણી લઈ લેતાં કહ્યું, ''જા, આજે પેલો મિકી માઉસ વાળો કપ કાઢ.'' મમ્મી એમની આ સાવ બદલાઈ રહેલી વર્તણૂંકમાં એક બાલિશપણું જોઈ રહી હતી. જાણે કે બે ટેણીયાઓ કોઈ પાયાવિહોણી વાતમાં ઝગડયા પછી એકબીજાને એવી જ તથ્ય વિનાની વાતોથી રિઝવી રહ્યાં હોય, અને એમાં બંને જાણતાં પણ હોય કે આ વર્તન વધારે લાબું ચાલવાનું નથી.
મમ્મીએ એમને કપ આપતાં છણકો કર્યો, ''યાદ છે ? આ કપ માટે થઈને તમે આખું ઘર માથે લીધું હતું ?, તે દી'નો એ કપ કબાટમાં મુક્યો એ મુક્યો, નીકળ્યો જ નથી.'' પપ્પાએ ચા ગાળતાં કહ્યું, ''હા હવે, દોઢસોનો કપ રેવા લઈ આવી, છોકરાવને આપે તો અડધી કલાકમાં એનું ઠેકાણું પડી જાય, પૈસાનો ખોટો બગાડ થાય તો કે'વુ તો પડે ને ? ( કપ લઈ બહાર સોફા ઉપર આવીને બેઠાં, મમ્મી પણ એમને અનુસરી એમની સામે બેઠી. )
મમ્મી : ''તમારી આ જ ખામી છે, આપણે કરવાનું હતું એ બધું કરી લીધું, હવે બધા કમાય છે, વાપરે છે, આપણે એમનામાં શુ કામ દખલ કરવી ?''
પપ્પાએ ચાનો એક ઘૂંટડો ભરી બાજુમાં બેસવાનો ઈશારો કરતાં મમ્મીએ બાજુમાં બેસી કપ હાથમાં લીધો. ત્યાં પપ્પા ફરી રસોડા તરફ ઉપડ્યા, હવે મમ્મીએ ચૂપચાપ બેસી રહીને એ શું કરે છે એ જોયા કરવાનું જ નક્કી કરી લીધું હતું. થોડીવારમાં જાતે વાઘરેલાં અડધા બળેલાં મમરા અને મમ્મીને ભાવતાં મોનેકોના બિસ્કિટ લઈને ફરી પાછા આવીને બેસી ગયા, મમ્મી સામે જોયું, બંને ખડખડાટ હસી પડ્યા, અને મમ્મીએ એમના ખભે માથું મૂકી દીધું. ત્યાં જ ઉપરથી આરવ કોઈ રમકડું ભૂલી ગયો હોવાથી નીચે ઉતર્યો, ''પપ્પા... પપ્પા... જો આ દાદા-બા તો અહીં પાર્ટી કરે છે. મારેય બિસ્કિટ ખાવા...'' બીજી પાંચ મિનિટમાં તો ઘરના દરેક સભ્યો બેઠકરૂમમાં હાજર થઈ મમ્મી-પપ્પા બેયને શરમાવી રહ્યાં, એ રાત મમ્મી-પપ્પાના કોરોનાના સેલિબ્રેશનની પાર્ટી બની ગઈ.
મોટાભાભીએ કંઈક વિચાર્યું અને બધાને ફટાફટ કપડાં બદલી લેવાનું ફરમાન કર્યું. મેં મમ્મીને કેટલાય વખતથી ડ્રાયક્લિનિંગમાં આપવી પડે એના લીધે ના પહેરાતી સાડી પહેરવામાં મદદ કરી. ભાઈએ જબરદસ્તીથી પપ્પાને પોતાનો ઝભ્ભો પહેરાવ્યો.
મોટાભાઈ મોટો કેમેરો લઈ હાજર થઈ ગયો. મેં ભાભીના કહેવાથી ઘરના બારણે લટકાવેલા કૃત્રિમ ગલગોટાના તોરણને કાપીને દોરી બાંધી અને બે હાર બનાવ્યા.
હવે બંનેએ એક બીજાને હાર પહેરાવી વારા-ફરતી એક-એક કરીને સાત વચન આપવાના હતા.
ઘણી અનાકાનીઓ પછી પપ્પા તૈયાર થયા, પહેલો વારો એમનો હતો. બંને સોફા ઉપરથી ઉભા થયા. પપ્પાએ હસતાં હસતાં વહુઓથી નજર ચોરાવતાં મમ્મીને હાર પહેરાવ્યો, બીજી જ સેકન્ડે મમ્મીએ બેધડક પપ્પાને હાર પહેરાવી દીધો. નૂપુર એની મમ્મીના કહેવાથી ખાટી-મીઠી ગોળીઓ એક ડીશમાં ભરીને લેતી આવી, જેનાથી બંનેએ એકબીજાનું મોઢું મીઠું ( ખટ્ટમીઠું ) કરાવવાનું હતું.
વચનોનો દોર ચાલુ થયો.
પપ્પા : ''હું હવે ચામાં દોઢ ચમચી ખાંડ નાખીશ,ત્રણ ચમચી ખાંડ નહીં નાખું.''
ઉંમર વધતાં ડાયાબીટીસની બીકે મમ્મી રોજ એમને આ વાત ઉપર ટોકતા હતાં, પણ ક્યારેય એમણે ગણકાર્યું જ નહોતું. બધા પપ્પાના આ હ્યુમર ઉપર વારી ગયા.
મમ્મી : ''હું હવે તમને બે બે દિવસ એકના એક કપડાં નહીં પહેરવા દઉં .''
આ વાત ઉપર બધાએ જ મમ્મીને સાથ આપ્યો, પપ્પાની બધી જીદ ઉપર આજે જીતી શકવાનો સમય હતો.
પપ્પા : ''કેટલાય દિવસથી કહું છું કે પોની કરાવી લે, હવે એ રાતે સૂતી હશેને હું એનો ચોટલો કાપી નાખીશ.''
છોકરાઓ સાથે અમે બધા જ હસી-હસીને લોટ-પોટ થઈ ગયા.
મમ્મી : ''આજ પછી એટલે કે અહીં બધાની હાજરીમાં જ હું તમારી લૂંગી કાપી નાખીશ, અને હવેથી તમારે આ છોકરાવ પે'રે એવું રાતનું પેન્ટ પે'રવાનું.''
મમ્મીને આજ સુધી આ રીતે વાતોમાં ખુલતાં કોઈએ જોઈ-સાંભળી જ નહોતી, એટલે અમે બધા જ આ ઠટ્ઠા-મશ્કરીની વચ્ચે મમ્મીની અંદર રહેલી એક પત્નીને, જોઈ રહ્યાં હતાં.
પપ્પા : ''આજ પછી તારે પણ વાળમાં ડાઈ નહીં કરવાની. મારી જેમ તું પણ ધોળા વાળમાં બ્યુટીફૂલ લાગીશ.''
મમ્મી : '' ના હો તમે ઘૈ'ડા થયા છો હું નહીં, હું તો કરીશ જ.''
બધાએ મમ્મીની વાતમાં વિરોધ ઉઠાવ્યો આખરે મમ્મીને માનવું જ પડ્યું.
મમ્મી : ''આજ થી રોજ રાતે ટીવીની સામે બેસી રે'વાને બદલે મને આંટો મારવા લઈ જવાની.''
મમ્મીની અંદર રહેલી વાતો એક પછી એક સાંભળતાં પપ્પાનું હૃદય પણ પીગળી રહ્યું હતું, બહારથી ભલે હજુ પણ કઠોર દેખાવાનો પ્રયત્ન કરે પણ મમ્મીની એકેએક ઈચ્છાઓ પૂરી કરવાનો મક્કમ નિર્ણય લઈ લીધો હતો.
પપ્પા : ''આજથી મારી રોટલી તારે જ બનાવવાની એવું નહીં કહું, તારી સાથે બેસીને જમવા માટે બે સેકન્ડ ઠંડી થયેલી રોટલી હું ચલાવી લઈશ.''
મમ્મી અને હું અને બંને ભાભીઓ માટે આ વાત એક ગર્વ લેવા જેવી સાબિત થઈ રહી હતી, પપ્પા ક્યારેય કેસરોલમાં રહેલી ગરમ રોટલી પણ થાળીમાં લેતા નહીં, સીધી તવી ઉપરથી ઉતરેલી ફુલકાં રોટલી ઉપર ઘણું બધું ઘી નાખેલી રોટલી ના મળે તો એમનો પારો ચડી જતો.
મમ્મી : ''કાલે મને પેલી લાલ ચુડીઓ કાઢી આપજો, હવેથી હું એજ પે'રીશ.''
અમે બધાએ એક સાથે પપ્પા સામે જોયું, એટલે મમ્મીએ ચોખવટ કરી, ''આ પ્લાસ્ટિકના પાટલાં પે'રૂ છું તે કેટલાય વખતથી કે'છે મને એ ચૂડીઓ પે'રવાનું, પણ સાચું કહું થોડું સોનુ ઘસાઈ જવાની બીકે અને થોડું એમના ઉપરની ખૂન્નસમાં હું નો'તી પે'રતી. આખી જુવાની એ બધું પે'રવા-ઓઢવા ના દીધું...'' મમ્મીની વાત પપ્પાએ અધવચ્ચેથી જ કાપી, ''આજે તારા મનનું બધું જ કાઢી નાખ, હંસી. આજે સાત નહીં તને સિત્તેર વચનો પણ આપીશ. બસ જૂનું બધું માફ કરી દે.''
આરવ : ''એ...., દાદાએ કેમ આવું કીધું ? એમણે માર્યું'તું બા ને ? આટલા મોટા થઈ ગયા તોય ? છોકરીઓને મરાય ? હું તો નઈ મારતો દીદીને..હે ને દીદી ?
પપ્પા : ''ના મરાય બેટા, પાપ લાગે. પણ મને કોઈએ શીખવાડ્યું જ નહીં. એટલે જ હવે સોરી કહું છું ને, તારા બા ને.''
મેં ટકોર કરીને વચનોનો સિલસિલો આગળ વધારવા તરફ એમનું ધ્યાન દોર્યું.
પપ્પા : ''હિરેન અને મિલન સિવાય બધાને દર ત્રણ મહિને મારા તરફથી એક જોડ કપડાં લેવડાવીશ.''
હિરેનભાઈ અને મિલનભાઈ બંને એકસાથે બોલી ઉઠ્યા, ''અમે શું ગુનો કર્યો ?''
પપ્પાએ વળતો જવાબ આપતાં કહ્યું, ''તમને બેયને હું બરાબર ઓળખું છું, છો તો મારા જ દીકરા ને ?''
બેય ભાઈઓ સિવાય બધાને મોજ પડી ગઈ.
મમ્મીએ તરત જ વધુ એક વચનનો ઉમેરો કર્યો, '' બંને વહુઓ પાસે તમારી ખોદણી નહીં કરું.''
પપ્પાને આંચકો લાગ્યો, અચાનક વાતાવરણ શાંત થઈ ગયું, બધા જ એકબીજાની સામે કંઇક ખોટું બફાઈ ગયાની બીકમાં વળતાં પ્રત્યાઘાતની રાહ જોઈ રહ્યાં.
એક મોટા ઠહાકા સાથે પપ્પા હસી પડ્યા, સાથે સાથે જ અમે બધા પણ.
સાતના બદલે આજે કેટલાંય મૂકવચનો પણ અપાઈ ગયા.
સમાપ્ત.