મમ્મીને પપ્પાના દાખલ થવાની વાત કરવાની નહોતી. અને એમ પણ મોબાઈલમાં વાત થવાની કે કોઈને મળવા દેવાનું હતું નહીં એટલે એ બહુ અઘરૂ પડ્યું નહીં. મમ્મીને હોસ્પિટલમાં આજે સાતમો દિવસ હતો. ધીમે-ધીમે એમના વિચારોને નવો વળાંક મળ્યો હતો, ''આજ સુધી હું આવી રીતે રહી જ નથી, ના ઘરની કોઈ જવાબદારી કે ના છોકરાઓ સાચવવાનું ટેંશન. આખી જિંદગી મારી તો આમ જ પુરી થઈ ગઈ. પરણીને આવી, ત્યારે પંદર જણના ભર્યા ઘરમાં આખો દિવસ આવતા મહેમાનોની સરભરામાં અને દેરીયા-નણંદોને પરણાવી એમના વહેવારોમાં જ યુવાની વીતી ગઈ. એક પછી એક ટીના, હિરેન અને મિલનને ઉછેરવામાં અને પરણાવવામાં ઘરડી થઈ. પહેલા હતું, કે બધી જવાબદારીઓ પુરી થઈ જાય પછી તો શાંતિ જ હશે, નિરાંતે બેય ડોહા-ડોહી હિંડોળે બેસીને નિરાંતે વાતો કરીશું, આંટો મારવા જશું અને છોકરા રમાડશું. પણ એક પછી એક આવતી જવાબદારીઓમાં નિવૃત્તિ તો ક્યાંય મળી જ નહીં.''
આ બાજુ પપ્પાને પણ હોસ્પિટલમાં ત્રીજો દિવસ હતો, એમનું મગજ વારે ઘડીએ કુદકા મારતું હતું. કોઈ દિવસ કમાવાથી આગળ કંઈ વિચાર્યું જ નહોતું. નવરાશના સમયે પણ ઇન્વેસ્ટ ક્યાં કરવું, કેમ કરવું, ક્યાંથી બચત થાય, અને ક્યાં ના વપરાય... ના જ વિચારો મગજમાં ઘૂમ્યા કરતા. હવે અહીં બેઠા એ કંઈજ થઈ શકવાનું ના હોવાથી પહેલા બે દિવસની સરખામણીમાં એ પણ થોડા શાંત થયા હતા. ઘણે અંશે સારું હોવાથી, અને ભાઈની એક ઓળખાણ નીકળી જવાથી ડોક્ટરે એમને કામ વગર નહીં વાપરવાની શરતે મોબાઈલ રાખવાની છૂટ આપી દીધી. હવે તે આખો દિવસ બધાને વિડિઓ કોલ કરતા રહેતા અને ડોક્ટર કે નર્સને જોતા જ ચાલુ વાતે ફોન કાપી નાખતા. ઘરે પણ બધાને એમના આ બદલાયેલા વ્યવહારથી થોડી ટાઢક થઈ હતી.
દિવસે દિવસે મમ્મીની તબિયતમાં સુધારો આવી રહ્યો હતો, સાથે સાથે માનસિક સુધારો પણ વર્તાઈ રહ્યો હતો. ફક્ત અને ફક્ત પોતાના માટે ક્યારેય જીવી જ ના હોય એવી વ્યક્તિને આજે ઢગલાબંધ સમય મળી ગયો. અને એમાં પણ ખરા સમયે જ એ સમયની મહત્તા જણાઈ રહી હતી. મમ્મીએ પોતાના સ્કૂલના દિવસોથી માંડી ને આજે ચાર છોકરાઓની દાદી બની ગયા સુધીના સમયની ફરી એકવાર ઝીણવટ ભરી સફર કરી લીધી. લગ્નની શરૂઆતમાં પોતાની સાસુના અસલ સાસુપણાંને સહન કરી, તૂડંમિજાજી પપ્પાના સ્વભાવ સાથે ડગલે ને પગલે એ ગોઠવાતી જ ગઈ. નાનપણની બધી જ બહેનપણીઓને પણ યાદ કરતી, એકલા એકલા હસી રહી હતી, ''અત્યારે બધી જ દાદી-નાની બની ગઈ હશે, કેવી લાગતી હશે ?'' ભાઈ-બહેનો સાથે કરેલી ઉછળકૂદ, નાના-મોટા ઝગડા, બધું જ યાદ આવતા હસતાં-હસતાં આંખોમાંથી પાણી પણ વહી રહ્યા. ધીમે ધીમે વર્તમાન તરફ ડગ માંડતા ક્યારેય ના વિચારેલી હકીકત સામે આવીને ઉભી રહી, ''હંસી, આખી જિંદગી ઢહેડા કર્યા, તું તારા માટે ક્યારે જીવીશ ? હજુ સમય છે, ઉપરવાળાનું નોતરું આવે એ પહેલાં જીવી લે... હંસી, જીવી લે. ગયું એ પાછું આવવાનું નથી, પણ જે સમય છે એને ભરપૂર માણી લે. મુક આ બધી છોકરાઓની પળોજણ, બધા પોતપોતાની રીતે ગોઠવાઈ જ જશે.'' ચારે બાજુથી પોતાના અંતરમનનો અવાજ ગુંજી રહ્યો હતો. એક ઊંડો શ્વાસ લઈ એણે કંઈક વિચારી લીધું.
પપ્પાનું હિલોળા લેતું મગજ પણ હવે શાંત થતું જતું હતું. પોતાની જાત સાથે અને કોઈ જ જવાબદારી વગરનો આ પરાણે થોપાઈ ગયેલો સમય એમને પણ કંઈક નવું શીખવી રહ્યો હતો. મોબાઈલમાં થોડા દિવસના સળંગ વિડીઓકોલ પછી હવે એ પણ કંટાળ્યા હતાં. પહેલીવાર મમ્મીની પોતાની સાથે વિતાવેલી પળો તરફ એમનું ધ્યાન ગયું હતું. આજે હંસીને કંઈક થઈ જાય તો ? એ વિચારે એમને છેક અંદર સુધી હલાવી નાખ્યા. ચાલીસ વર્ષના લાંબા સમય ગાળામાં પણ ક્યારેય એણે જીદ કરી હોય કે ઝઘડામાં નમતું ના મૂક્યું હોય એવી એકેય ઘટના યાદ કરવાનો પ્રયત્ન કરવા છતાં યાદ ના આવી. કેટલીયવાર અસહ્યનિય શબ્દોથી એને પિંખી હતી, છતાં સવાર પડતાં જ હસતાં મોઢે ચા સાથે હાજર થઈ જતી. પોતાનો પુરુષપણાંનો અહમ જેમ-જેમ સંતોષાતો એમ-એમ એ વધારે જ ઉછાળા મારતો. ક્યારેક પોતાનું મહત્વ વધારવા તો ક્યારેક કૌટુંબિક મનમોટાવમાં એને નાહકની ઝપેટમાં લઇ લીધી હતી. છતાં છોકરાઓને ખબર પણ ના પડે એમ ચૂપચાપ રડી લેતી અને ફરી પાછી કામે વળગી જતી. આજે એમને સવાલ ઉઠ્યા, ''એને કાંઈ થતું નહીં હોય ? આટલું બધું સહન કેવી રીતે કરી શકે કોઈ માણસ ? ખોટે ખોટા આરોપો પણ સ્વીકારી લઇ વાતને ત્યાં જ સમેટી લેવામાં માહેર છે એ. શરૂઆતમાં ક્યારેક ફરવા જવા માટે કે તહેવારે એકાદ સાડી માટે એ કહેતી પણ મારા જ જંગલી જેવા સ્વભાવને લીધે બિચારીએ મારી પાસેની બધી અપેક્ષાઓને માળીએ ચડાવી દીધી. આખી જિંદગી એકબીજાને સાથ નિભાવવાના અને ખુશ રાખવાના વચનમાં એ તો ડીશ્ટીન્કશન સાથે પાસ થઈ ગઈ, પણ હું પાસિંગ માર્ક પણ ના લાવી શક્યો. પૈસા પાછળ ભાગવામાં ક્યારેય મેં પાછું વળીને જોયું જ નહીં કે કોઈની આંખો મારી રાહ જોવે છે. ભગવાન એને જો મારી પહેલા બોલાવી છે ને તો મારું જીવતર એળે જશે. ક્યારેય હાથ નથી જોડ્યા, મંદિરમાં આવતા કચવાયો છું પણ આજે થોડો સમય માંગુ છું તારી પાસે... મારી માટે નહીં, મારી હંસી માટે... એની સાથેના વચનો પુરા કરવાના બાકી છે, એને હસતી જોવાની બાકી છે, એની સાથે મંદિરના ઓટલે બેસી એના હાથે લાડવાનો પ્રસાદ ખાવાનો બાકી છે. એની શાકની થેલી પકડીને એની પાછળ પાછળ શાક માર્કેટમાં ફરીને એને ભાવતાલ કરતી જોવાની બાકી છે. અત્યારના છોકરાવની જેમ તળાવના કિનારે એનો હાથ પકડવાનો બાકી છે. મારા શર્ટનું બટન ટાંકવા માટે સોયમાં દોરો પરોવવાની મથામણ કરતી જોવાની બાકી છે. રસોડામાં એને રાંધતા જોઈને જ પેટ ભરવાનું બાકી છે.'' ઘણું ઘણું આજે પહેલીવાર અનુભવાયું હતું. કોલેજકાળ દરમિયાન પોતે પણ એક ડાયરી રાખતાં, જેમાં ગમતી શાયરીઓનો ખજાનો ભેગો કરતાં, પણ ક્યારેય મમ્મી સામે એમનો એ શાયરાના અંદાઝ ખુલી શક્યો નહીં. આજે એવી જ લાગણીઓમાં પોતે તણાતાં જઈ રહ્યાં હતાં.
ચૌદ દિવસે મમ્મી ઘરે આવ્યા, સમય પારખીને ભાભીએ પપ્પાના દાખલ થયાની વાત કરી. પહેલા તો એ હસી જ પડ્યા, ''શુ મજાક કરો છો ? ગ્યા હશે ક્યાંક આંટો મારવા, એમને જરાય મારી પડી નથી, કે એ ઘરે આવે છે તો ઘરે રહેવું જોઈએ.'' ભાભીએ થોડી વાર પાસે બેસીને શાંતિથી બધી વાતની ચોખવટ કરી. ત્યારથી લઈને પપ્પા ઘરે આવ્યા ત્યાં સુધી મમ્મીનો અવાજ જાણે કે રૂંધાઇ ગયો હતો.
આજે પપ્પા ઘરે આવ્યા. ઘરમાં પગ મુકતાં જ પોતાને ઘેરી વળેલા છોકરાઓને અવગણીને એમની આંખો મમ્મીને જ તાકી રહી. અમારા બધાની હાજરીના લીધે બંનેનો અવાજ નીકળી શક્યો નહીં. મમ્મીએ ઘણી-બધી વાતો કરવાનું વિચારી રાખ્યું હતું, પણ આટલા વર્ષોમાં ક્યારેય એવી રીતે વાતો કરવા એ બેઠાં જ નહોતા, એટલે જીભ જ ના ઉપડી. રાત પડી, પપ્પા-મમ્મી પોતાના રૂમમાં એકલા પડ્યા. પપ્પાએ કેટલાય વર્ષો પછી આજે પહેલીવાર મમ્મીનો હાથ પકડ્યો, ''ચાલ, ચા પીએ.'' મમ્મી રોજની ટેવ મુજબ ચૂપચાપ ઉભી થઈને રસોડામાં ગઈ. પપ્પાએ પાછળ-પાછળ આવતાં જ ફરી કહ્યું, ''એકલા દૂધની ના બનાવતી.''
મમ્મીને આંચકો લાગ્યો, આજ સુધી પોતાની અલગ જ એકલા દૂધની ચા પીવાનો આગ્રહ રાખતાં અને અચાનક આ શું ? તો પણ ચા નું પાણી મુકતાં જ હસી પડી, ''જોયું ? આટલા દિવસ દવાખાને રયા તો બધું ચલાવતાં શીખી ગયા ને ? આ રેવા પણ કે'તીતી કે પપ્પા ચૂપચાપ ખાઈ લેતા'તાં, ગરમ-ઠંડાની ફરિયાદ પણ નો'તા કરતાં.'' હજુ વાત પૂરી થાય એ પહેલાં જ પપ્પાએ ફરી એને ટોકી, ''તને ભાવે છે એવી મોળી ચા બનાવજે'' મમ્મીએ ફરી એમની સામે જોયું, પપ્પાની આંખોમાં પહેલીવાર એણે પાણી જોયાં, ફટાફટ પાણીમાં ચા-ખાંડ નાખ્યા. એ હજુ કંઈ સમજી શકે એ પહેલાં જ, પપ્પા એને વળગી પડ્યાં, ''મને માફ કરી દે..'' મમ્મીને કંઈ સમજાયું નહીં એટલે ચૂપ જ રહી. પપ્પાએ પોતાની દબાઈ રહેલી અને ક્યારેય ન કહી શકાયેલી લાગણીઓને વહેવા દીધી, ''મેં અત્યાર સુધી તને તારી જિંદગી જીવવા જ નથી દીધી. હંસી, હું એ સમય તો તને પાછો નહીં અપાવી શકું, પણ હજુ આપણી પાસે સમય છે, જેમાં હું સુધરી શકું છું.'' મમ્મીની આંખોથી પણ હવે પાણી વહી રહ્યાં હતાં, ''કેમ આવી વાતો કરો છો ? હું જીવી જ છું. તમે મને શું નથી આપ્યું બોલો તો ? આ આટલું મોટું ઘર, ગાડી, આ કમાતા-ધમાતા છોકરા, કામગરી વહુઓ, અને વ્યાજના આ ટાબરીયાઓ.. બીજું શું જોઈએ ?'' પપ્પાએ પોતાના વર્તન ઉપર અફસોસ કરતા કહ્યું, ''ઢગલાબંધ સંબંધો અને અઢળક જવાબદારીઓ વચ્ચે પોતાની એક હયાતી જોઈએ.'' મમ્મીએ છણકો કર્યો, ''મને આવું બધું સમજ ના પડે, મને જોઈતું બધું જ તમે આપ્યું છે અને હું ખુશ છું.''
આ બધી વાતોની વચ્ચે બળવાની ગંધ આવી, જોયું તો ચાની તપેલી પુરે-પુરી બળી ગઈ હતી. બંનેએ સાથે એ બાજુ જોયું અને સાથે જ હસી પડ્યા.
પપ્પા : ''લે તું બીજી ચા મુક, હું તપેલી ધોઈ નાખું.''
વધુ આવતા અંકે...