આગળના ભાગમાં આપણે જોયું કે સવારે જ નિખિલ કોઈ આઈડિયા વિચારી લે છે. ઓફિસના કામનું બહાનું કાઢી નિખિલ તેના પપ્પાને લઈને 15 દિવસ બહાર જવાનું પ્લાનિંગ કરે છે. રાત્રે જ નિખિલ અને તેના પપ્પા દોઢસો કિલોમીટર દૂર એક રિસોર્ટમાં જવા નીકળે છે. સતત બે દિવસ સુધી નિખિલ દરેક વાતે તેના પપ્પાને તેની મમ્મીની ખોટ વર્તાય એવું કરે છે. તેના પપ્પા પણ સમજી જાય છે કે જીવનમાં પોતાનું માણસ ના હોય તો કેટલી તકલીફ થાય, પરંતુ નિખિલને હજુ સફળતા નથી મળી હોતી. ત્રીજા દિવસની સાંજે સ્વિમિંગ એરિયામાં બે બિયરનો ઓર્ડર કરી ગભરાતાં-ગભરાતાં પોતાની વાત રજૂ કરે છે, દિશા અને રુચિ વચ્ચે જે બન્યું અને એકાંત સાથેની બંધ થયેલી વાતચીત વિશે પણ નિખિલ જણાવે છે. તેના પપ્પા ગુસ્સે થાય છે અને આ બાબતે વાત કરવાની ના પાડીને રૂમમાં જવાનું કહે છે. નિખિલ તેમને પરાણે રોકી અને મમ્મી વગર વીતેલા આ ત્રણ દિવસોની વાત યાદ કરાવે છે. સાથે પોતે ફોરવર્ડ હોઈ સમાજની ચિંતા ના કરવા અને રુચિના કન્યાદાન વખતે કરેલી પહેલની વાત કરીને નિર્ણય લેવા માટે હિંમત આપે છે. દિશાના જીવન વિશે અને તેમના ભવિષ્ય વિશે પણ સમજાવે છે. છેવટે તેના પપ્પા માની જાય છે. નિખિલ તરત જ તેમને ભેટી પડે છે. પરંતુ તારી મમ્મીને કોણ સમજાવશે એવી મૂંઝવણ પણ તેના પપ્પા વ્યક્ત કરે છે. નિખિલ એ તેમના માથે નાખીને જ રૂમમાં ચાલ્યો જાય છે. રાત્રે જ તે રુચિને પણ ખુશખબરી આપી દે છે અને મમ્મી સાથે રિસોર્ટમાં આવવાનું જણાવે છે. રિસોર્ટમાં ચારેય સાથે બેસીને નાસ્તો કરે છે, નિખિલના પપ્પા બે દિવસ એકબીજાને ઓળખતા નથી એમ જ રહેવાનું કહે છે. એમ જ હસી-મજાક કરતાં બધા હસતાં-હસતાં છુટા પડે છે.. હવે જોઈએ આગળ...
સમર્પણ - 36
નિખિલ અને રુચિ તરફથી થઈ રહેલા પોતાના ભવિષ્ય માટેના પ્રયત્નોથી અજાણ દિશા ફક્ત એકાંતના અવાજના સહારે દિવસો કાઢી રહી હતી. એકાંત પણ ગમે તે સમયે દિશાનો સાથ છૂટી જવાના અજ્ઞાત ભયમાં પીડાતો રહેતો. છતાં દિશાને એક-એક ક્ષણ સાચવી લેવા તે હંમેશા તત્પર રહેતો. ''વિસામો''ના વડીલોની અંતરઆત્મા પણ બંનેને સાથે જોવા માટે તરસી જતી.
અવધેશભાઈ અને જયાબેનને ઘણાં દિવસ પછી આજે નવરાશનો સમય મળ્યો હતો. નિખિલનું અધૂરું કામ હવે અવધેશભાઈએ હાથમાં લઈ લીધું. બપોરના લંચ પછી રિસોર્ટમાં જ પાછળની બાજુએ બનાવેલા ગાર્ડનમાં આંટા મારતી વખતે અવધેશભાઇ, જયાબેનને હાથ પકડીને ઝીણી કોતરણીવાળા પથ્થરના ફુવારાની આજુબાજુ બનાવેલા પગથિયાં ઉપર બેસવા લઇ ગયા. શરીર ઉપર ઝીલાતાં એકદમ ઝીણા છાંટાઓના અહેસાસમાં એમને પોતાની યુવાની યાદ આવી ગઈ, ''જયા, યાદ છે ? લગ્નની શરૂઆતમાં આપણે આમ જ કલાકો સુધી એકબીજાનો હાથ પકડીને બેઠાં રહેતા, છતાં વાતો ખૂટતી જ નહોતી. પછી તો કમાવાની દોડમાં હું એવો દોડ્યો... એવો દોડ્યો... કે પાછળ ઘણું બધું છૂટતું ગયું જે ધ્યાનમાં પણ ના આવ્યું.''
જયાબેન (જૂની વાતો યાદ કરતાં ) :''પાછળ હું હતી ને ! તમારાથી જે છૂટતું ગયું એને સંભાળવા...!'' (કેટલાંય વર્ષો પછી એમણે અવધેશભાઈની આંખોમાં આંખો પરોવી હતી.)
અવધેશભાઈ : ''છતાં, જયા... તે ક્યારેય કોઈ વાતની ફરિયાદ નથી કરી... આપણાં આ નાનકડાં કુટુંબને ખરા અર્થમાં તે સુખી કુટુંબની વ્યાખ્યા આપી છે.''
જયાબેન થોડા મલકયાં અને અવધેશભાઈનો હાથ જરાક વધારે સરખી રીતે પકડ્યો, ''આ બધું આપણાં સહિયારા સાથના લીધે જ શક્ય બન્યું છે, આમાં હું કે તમે એકલે હાથે કંઈ જ કરી શકવાના નહોતા.''
અવધેશભાઈએ પોતાના બંને હાથે જયાબેનનો હાથ સહેજ દબાવતાં કહ્યું, ''જયા, તને એક વાત કહેવી છે. (જયાબેન એમની આંખોમાં જોતા રહ્યા... થોડી વારના મૌન પછી...) દિશાબેન વિશે છોકરાવએ જે વાત કરી હતી એમાં આપણે સાથ આપીએ તો ?''
જયાબેને હાથ પાછો ખેંચવાનો પ્રયત્ન કરતાં પ્રશ્નાર્થ નજરે પોતાની ભમ્મરો તાણી.
અવધેશભાઈ પોતાની પકડ મજબૂત કરતા કહ્યું, ''સાંભળ તો ખરી, તું વિચાર કે એકલાં જીવવું કેટલું અઘરું છે ? ભગવાન ના કરે, તારે કે મારે એકબીજા વગર એકલાં રહેવું પડે તો ? ( થોડી વાર એમની સામે જોઈ રહ્યાં ) એ વિચારે પણ ગભરામણ થઈ જાય છે ને ? તો તું જ કહે... દિશાબેનનું આખું જીવન એકલા પસાર થયું છે, દીકરીને વળાવ્યા પછી હવે એ સાથી ઝંખે તો એમાં ખોટું શું છે ?''
જયાબેનને ભૂતકાળને વાગોળતા અચાનક સત્યનો સામનો થઈ ગયો, આજે એમણે પોતાને દિશાની જગ્યાએ રાખીને સરખામણી કરી લીધી. (થોડી વારના મૌન પછી ) ''પણ સમાજ ?... આપણી આબરૂ ?...''
અવધેશભાઈ : ''જો જયા, એ તું પણ જાણે છે કે સમાજને ફક્ત એક મુદ્દાની જરૂર હોય છે, એક પછી બીજો મુદ્દો હાથમાં આવતાં જ આગળનો મુદ્દો ભુલાઈ જાય છે... એ સાચું છે કે થોડો સમય વાતો તો થશે જ... પણ તું એ વિચાર કે એના લીધે કોઈનું જીવન સુધરી જશે... અને એ પુણ્યનું કામ જો આપણાં થકી થતું હોય તો એથી રૂડું શું ?''
જયાબેન થોડું મલકયાં અને હકારમાં માથું હલાવી સહમતી દર્શાવી. હજુ થોડો સમય વાતોમાં જ પસાર કર્યો ત્યાંજ સામેથી નિખિલ અને રુચિ પસાર થઈ રહ્યાં હતાં. મમ્મીની સહમતીનો સંદેશ એ લોકોને આપવા માટે હરખઘેલાં અવધેશભાઈએ નિખિલને બૂમ પાડી.
નિખિલ અને રુચિ એમની તરફ આવ્યા. નજીક આવીને નિખિલે પોતાના ટીખળી અંદાજમાં કહ્યું, ''શુ અંકલ, મને બોલાવ્યો ? આન્ટી હેરાન કરે છે ? છોડી દોને એમને અહીં જ... મગજમારી પતે....!''
અવધેશભાઈ : ''બે તું તો સાચે અમારું ઘર ભાંગવા બેઠો છે, જા લઇ જા રુચિ... અહીંથી આ તારા વર ને, ઘેર આવો પછી વાત છે હવે તો...''
નિખિલ ખરેખર જ રુચિને ખેંચીને લઇ ગયો. જતાં-જતાં રુચિએ બૂમ પાડીને સાંજનું ડિનર સાથે કરવાનું જણાવી દીધું.
અવધેશભાઈએ હળવેથી હાથ ખેંચીને જયાબેનને ફુવારાની બેઠક ઉપરથી ઉભા કર્યા. ગાર્ડનના ખૂણામાં કંઈક અલગ રીતે સજાવેલી અને સ્પેશિયલ ફોટા પાડવા માટે જ બનાવેલી બેઠક તરફ બંને આગળ વધ્યા. બોગનવેલથી આચ્છાદિત એ ખુણામાં રંગબેરંગી મશરૂમ જેવી બેઠકો ગોઠવેલી હતી. ત્યાં રિસોર્ટમાં રહેવા આવેલા બીજા યુવાન કપલ સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યાંથી આગળ વધતા ગાર્ડનની વચ્ચોવચ પથ્થરની ષટ્કોણ આકારની છત વાળી અનોખી બેઠક બનાવેલી હતી. ચારે બાજુ બેસી શકાય એવા અલગ અલગ આકારના પથ્થર મુકેલા હતા. અને છતની બરાબર વચ્ચે બેસવા માટે વાંસના સિંગલ ઈંડા આકારના બે ઝૂલા બાજુ-બાજુમાં લટકાવેલા હતા. અવધેશભાઈ અને જયાબેન ખુલ્લી ઝુંપડી જેવી એ જગ્યાએ આવીને ઝૂલા ઉપર બેઠાં.
અવધેશભાઈએ નિખિલ તરફથી જાણવા મળેલી દિશા અને એકાંતની બધી જ વાતોની જયાબેન સાથે વિગતે ચર્ચા કરી. જયાબેનના થોડા નકારાત્મક અભિગમને સકારાત્મક બનાવવામાં એમને વધારે મહેનતની જરૂર પડી નહીં.
સાંજે રિસોર્ટના રેસ્ટોરન્ટમાં ચારેય જણાં ડિનર માટે ભેગા થયા. અવધેશભાઈએ અને જયાબેને નિખિલ અને રુચિ સાથે દિશા માટે પોતાનો બનતો સહયોગ આપવાની સંમતિ આપી. પોતાના પ્રયત્નોમાં સાસુ-સસરાનો સાથ ભળી જવાથી રુચિ ના હૃદયને અથાગ શાંતિ મળી.
રિસોર્ટથી આવ્યાના લગભગ અઠવાડિયા પછી રુચિએ દિશાના મોબાઇલમાંથી એની જાણ બહાર એકાંતનો ફોન નંબર મેળવી લીધો. ચારેય જણાંએ નક્કી કર્યા પ્રમાણે હવે રુચિએ એકાંત સાથે ફોન ઉપર આખી બાબતનો ખુલાસો કરીને એમના સંબંધની સચ્ચાઈ જાણવાની હતી. ચારેય જણાં બેઠકરૂમના સોફા ઉપર ગોઠવાઈ ગયા. અવધેશભાઈએ ફોન સ્પીકર ઉપર રાખવાની સૂચના આપી.
રુચિએ એકાંતને ફોન કર્યો, ''હલ્લો, હું રુચિ...''
આગળ કંઈ બોલે એ પહેલાં જ એકાંતે વળતો જવાબ આપ્યો, ''બોલ બોલ, બધું ઠીક તો છે ને ? (અચાનક આ રીતે રુચિનો ફોન આવતા એને કંઈક અજુગતું બન્યાની બીક લાગી.)
રુચિ : '' હા, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. મેં મમ્મીના ફોનમાંથી એને પૂછ્યા વગર તમારો નંબર લઈ લીધો છે. તમારી મેટરમાં હું નાની પડું છતાં જાતે કંઈ ધારી લેવા કરતાં સીધું જ તમને પૂછી લેવુ મને યોગ્ય લાગે છે.''
એકાંત : ''જો રુચિ, તું કંઈપણ પૂછે એ પહેલાં એક ચોખવટ કરી દઉં, કે તને એમ લાગતું હોય કે મારા અને દિશા વચ્ચે કોઈ એવો સંબંધ છે, કે જેથી તને કે તારા પરિવારને નીચું જોવા જેવું થાય, તો એ ખોટું છે.''
રુચિ : ''હા હું જાણું છું. જોકે મને એ સમજવામાં થોડી વધારે વાર લાગી ગઈ. મારા લીધે મમ્મીએ તમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે એની જાણ થતાં જ, અને હું જેટલું તમને ઓળખી શકી છું એના આધારે, તમારી સાથે સીધી જ વાત કરીને તમારા તરફનું આ સંબંધનું ઊંડાણ જાણવુ છે મારે.''
એકાંત : ''જો રુચિ, તું સમજી શકીશ કે નહીં એ મને ખબર નથી, પણ હું એટલું જ કહીશ કે ગમે તે પરિસ્થિતિમાં હું દિશાને ભૂલી તો નહીં જ શકું, તારા સુખને પ્રાધાન્ય આપવા માટે અને દિશાથી અપાઈ ગયેલા બોલ ના કારણે તે જ દિવસથી અમે એકબીજા સાથે વાત કરવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, તું નહીં માને પણ ''વિસામો''માં પણ અમે એકબીજાની સામે ના આવી જઈએ એની તકેદારી રાખીએ છીએ. તું નિશ્ચિન્ત રહે, તને કે તારા ફેમિલીને અમારા વિશે કોઈ સવાલ કરે, એવું અમે ક્યારેય નહીં કરીએ.''
રુચિ : ''હું સમજુ છું, પણ વાત એ છે જ નહીં. હું ફક્ત એ જાણવા માંગુ છું કે તમારા બંને વચ્ચેના મિત્રભાવને સંબંધની મંજૂરી મળી જાય તો ?''
અમાવસ્યાના અંધારિયા આકાશમાં અચાનક કૂદકો મારીને ફૂટી નીકળેલું એક આશાનું કિરણ એકાંતના હૃદયને ચમકાવી ગયું.
સામે કોઈ જવાબ ના મળતાં રુચિએ ફરી પૂછ્યું, ''જવાબ આપો... શુ તમે.....???''
એકાંત બોલતાં-બોલતાં બેબાકળો થઈ ગયો: ''હં...રુચિ, એમાં પૂછવાનું છે જ નહીં, હું તને....હું અત્યારે... કેવી રીતે તને....શું કહું....???''( બંધ આંખનું અશક્ય જ હોય એવું એક સપનું અચાનક ખુલ્લી આંખો સામે આવીને ઉભું રહી ગયું, એકાંતની આંખોમાં રીતસરના પાણી ઉભરાઈ રહ્યા હતા અને જીભ પણ થોથવાઈ રહી હતી )
રુચિ, નિખિલ, અવધેશભાઈ અને જયાબેન ચારેય એકબીજા સામું જોઈને અવાજ ના થાય એનું ધ્યાન રાખીને એકાંતની અધીરાઈ ઉપર હસી રહ્યાં.
વધુ આવતાં અંકે...