Mr. Lalji Mayalu in Gujarati Short Stories by Valibhai Musa books and stories PDF | મિ. લાલજી માયાળુ

Featured Books
Categories
Share

મિ. લાલજી માયાળુ

અમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ નજરે વેલ એજ્યુકેટેડ સમજીને અને કદાચ નવીન પરિચય મેળવવાના આશયે ઓફિસની અંદર બોલાવ્યા અને અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું.

‘વેલકમ ફ્રેન્ડઝ, આઈ એમ લાલજી પટેલ, યોર ન્યુ પોસ્ટમાસ્ટર. ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ એન્ડ આઈ ન્યુ કમેડ.’

અમેરિકાથી એકાદ માસ માટે વતનમાં આવેલા મારા મિત્ર જેફે મારી સામે જોઈને સ્મિત કર્યું. હું સમજી ગયો કે ‘ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ એન્ડ આઈ ન્યુ કમેડ.’ શબ્દોએ જ એમને સ્મિત કરાવ્યું છે. તેમણે પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘થેન્ક યુ વેરી મચ, મિ. પટેલ. વી આર વેરી ગ્લેડ ટુ સી યુ. હાઉ ઈઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ અવર વિલેજ?’

“નાઈસ, બટ હીયર પીપલ સ્પીકીંગ ગુજરાતી સાવ દેશી! લાસ્ટ ડે વન મેન કમેડ એન્ડ આસ્કેડ મી ઈન ગુજરાતી, ‘ચ્યમ સો?’”

મેં કહ્યું ‘નાઈ…સ.’

એણે કહ્યું, ‘અમારા ગોંમમાં નાઈ સ. વાળ કાપવાના દસ રૂપિયા અનં ડાઢી સોલવાના બે રૂપિયા લી સ. બોલો સાહેબો, ધીસ ઈઝ માય ફર્સ્ટ તમે પૂછ્યું એ!’

અમે હસી પડ્યા.

થોડીવાર પછી મિ. જેફે ગંભીર મુદ્રાએ લાલજીને કહ્યું, ‘મિ. લાલજી, યોર લીપ, આઈ મીન, યોર હોઠ, સમ બ્લ્ડ લાઈક!’

લાલજીએ પોતાના હોઠો ઉપર આંગળી ફેરવીને તેનું નિરીક્ષણ કરીને પછી કહ્યું, ‘નો સર, આઈ એમ નો બ્લડ પ્રોબ્લેમ ઈન માય ટીથ!’

‘હું લાલ નહિ, પણ સફેદ મતલબ કે ગોરા લોહીની વાત કરું છું. જુઓ અંગ્રેજો ગોરા, તેમની ભાષા અંગ્રેજી પણ ગોરી અને એ ભાષાનું લોહી પણ ગોરું જ હોય ને ! ભલા માણસ, તમે ગોએડ, કમેડ અને આસ્કેડ જેવું બોલીને તમારી ધારદાર જીભ વડે અંગ્રેજીને ઈજા પહોંચાડો તો એને ગોરું નહિ તો કેવું લોહી આવે? વળી ઉપરથી પાછા પેલા ‘નાઈ…સ’વાળાની ઠેકડી ઉડાડો છો!’

મિ. લાલજી ખડખડાટ હસી લીધા પછી બોલ્યા, ‘યુ આર વેરી ચેપ્લિન મેન, આઈ મીન ગમ્મતી. આઈ એમ મેકીંગ પ્રેક્ટિસ સ્પીકીંગ ઈંગ્લીશ. ઈટ ઈઝ કંઈક ‘પ્રેક્ટીસ… પ્રેક્ટીસ…’ જેવું મારું બેટું યાદ નહિ આવે!

મેં તેમને યાદ અપાવ્યું ‘પ્રેક્ટીસ મેક્સ એ મેન પરફેક્ટ.’ અને તેમણે જવાબ આપ્યો ‘એક્ઝેટલી, બસ એ જ.’

મિ. જેફે સ્પષ્ટ શબ્દોમાં લાલજીને કહી દીધું કે ‘તમે પિજિયન ઈંગ્લીશ એટલે કે કબૂતરના ઘૂઘવાટા જેવું ઈંગ્લીશ બોલો છો, જે મને સમજવું ભારે પડે છે. હું અહીં રહું ત્યાં સુધી ગુજરાતીમાં વાત કરવાની આપની તૈયારી હોય તો બરાબર છે, નહિ તો બાય, બાય. મારે અમેરિકામાં ઈંગ્લીશ બોલવું પડે એટલે દેશમાં મને એટલી ગુજરાતીની પ્રેક્ટિસ થાય ને, ભલા માણસ!’

મિ. જેફે ઊભા થવાની ચેષ્ટાકરી, ત્યાં મિ. લાલજીએ ‘સોરી, સર.’ કહીને બેસી જવા વિનંતી કરી.

મિ. જેફે ‘સોરી, સર’ પણ નહિ ચાલે,’ એમ કહ્યું ત્યારે લાલજીએ, ‘ દિલગીર, સાહેબ’ કહીને વળી કહ્યું, ‘પણ ભૂલચૂક લેવીદેવી હોં કે સાહેબ!’

મિ. લાલજી સાથેની આ અમારી પહેલી મુલાકાત હતી.

* * *

બીજા દિવસે સાંજે અમે પોસ્ટઓફિસે પહોંચ્યા. મિ. લાલજીએ અમને આવકારતાં અફસોસ વ્યક્ત કર્યો કે ગઈ કાલે તેઓ અમારી કોઈ સરભરા કરી શક્યા ન હતા. પછી તો આદત પ્રમાણે બોલ્યા, ’ફેમેલી કમીંગ, સોરી સાહેબ; અઠવાડિયા પછી મારા ઘેરથી આવશે. હોટલમાંથી ચા મંગાવું? અહીં મેડા ઉપર જ રહેવાનું છે, એ સારું છે; ઘેરના ઘેર, નહિ?’

મેં મિ. લાલજીને જણાવ્યું, ‘આપણે ગઈકાલે ગાડી અવળા પાટે ચઢી ગઈ હતી. તમારો અમારા ગામનો પહેલામાં પહેલો અનુભવ કેવો રહ્યો હતો? જો જો પાછા…પેલું પિજિયન નહિ હોં કે!’

‘હવ, સાહેબો વારેઘડીયે ઈયાદ નીં અપાવવુ પડે. પ્યોર મેંહોણી બોલીમાં બોલોય’

’અમને તમારી મેંહોણી બોલી સમજવી ભારે નહિ પડે ને !’

‘ગત્તુંય નૈ. તમારી ધોંણધારી અને અમારી મેંહોણીમાં ઝાઝો ફરક નૈં, હું હમજ્યા!’

‘પાછો મારો મૂળ સવાલ વિસારે ન પડે!’

‘તમારો સવાલ મનં ઈયાદ સે જ. પે’લા દાડે હું હાઈવેના બસ સ્ટેન્ડે ઊતર્યો, તાણં એક મોંણહ એર ઓપન જાજરૂએ જાતો’તો. મીં ઈનં પોસ્ટ ઓફિસનો રસ્તો પુસ્યો; તો બાપડો કે’ કે શાબ મું ખડચે પસ જોય, લ્યો તમનં મૂકી જઉં. મનં તો ઈ બચ્યારો બૌ માયાળુ લાજ્યો! બોલો, હઘવાનું પડતું મેલીનં મનં મૂકવા આવવાનું કે’તો તો! મનં આંયકણે અઠવાડિયું થ્યું. ગોંમનાં બધાં મોંણહ મનં તો બૌ માયાળુ લાજ્યાં! તમનં હારુ લગાડવા નથ કે’તો હોં શાયેબો, પણ તમે બેઉય માયાળુ સો.’

અમે બેઉ ‘ખડચે’ શબ્દ સાભળીને હસી પડ્યા.

પછી તો મારે કહેવું પડ્યું, ‘જુઓ મિ. લાલજી, તમે ચોખ્ખું ગુજરાતી જ બોલો; નહિ તો આ જેફ સાહેબનું ગુજરાતી કશા કામનું નહિ રહે!’

‘મારું બેટું, મારે તો બેય પાનું દખ! અંગ્રેજી બોલું તો ક્યો કે ‘નાહિ’, મેંહોણી ગુજરાતી બોલું તો પણ ક્યો કે ‘નાહિ’. તમારી ધોંણધારી તો મનં નોં આવડે. ચાલો, આપણે ભણ્યા હતા એ ગુજરાતીમાં જ બોલું; પણ સાહેબ એક વિનંતી કે ક્યાંક ક્યાંક મારું અંગ્રેજી બોલાઈ જાય તો માફ કરજો.’

‘એ તો માફ કરેલું જ છે. હમણાં તમે એર ઓપન જાજરૂ બોલ્યા તો અમે કાંઈ વાંધો લીધો? લ્યો જાજરૂ માટે તમને મફત ‘ટોયલેટ’ શબ્દ આપીએ છીએ. તમારે બીજે ક્યાંક બોલવા કામ લાગશે, નહિ તો વહેલી સવારે તો કામ લાગશે જ!’ મિ. જેફે વ્યંગમાં કહ્યું.

‘ભૂલચૂક માફ, પણ ખરેખર તમે ચેપ્લિન છો; હોં સાહેબ! આઈ મીન ગમ્મતી’

મિ. જેફે મને ઉદ્દેશીને કહ્યું, ’મિ. વિલિયમ, આ લાલજી મને બીજીવાર ચેપ્લિન કહી ગયા!’

‘લ્યો, આજે બીજા દિવસે જાણ્યું કે આ સાહેબનું નામ ‘વિલિયમ’ છે. તમારાં બેઉનાં નામો અંગ્રેજી છે અને મને અંગ્રેજી બોલવા નથી દેતા, એ કેવું? ઊલટી તમારી સાથે અંગ્રેજી બોલવામાં મારે કેટલી બધી પ્રેક્ટિસ થાય! બાકી ગામડિયાઓ હારે તો અંગ્રેજી ન જ બોલાય ને!’

મિ. જેફ ‘લ્યો, આવજો ત્યારે’ કહીને ઊભા થયા, ત્યારે મિ. લાલજીએ ‘સોરી’ કહીને એમને બેસી જવા કહ્યું.

પછી તો અમે દુનિયાભરની વાતોએ વળગ્યા. જોતજોતામાં એક કલાક પસાર થઈ ગયો. તે દિવસે અમારું વોકીંગ કરવાનું પણ મુલતવી રહ્યું,

* * *

આજે લાલજી સાથેની અમારી ત્રીજી અને કદાચ…કદાચ આખરી મુલાકાત હતી. સામાન્ય રીતે કોઈપણ માણસનો મિજાજ હંમેશાં એકસરખો રહે નહિ અને તે ન્યાયે મિ. લાલજી આજે એકદમ બદલાયેલા લાગ્યા. તેમણે વિઝિટર્સ વિન્ડોમાંથી અમને જોયા તો ખરા, પણ તરત જ નજર ફેરવી લીધી અને પોતાના કામમાં લાગી ગયા. અમે તેમના આ વર્તનને સહજ લઈને ઓફિસમાં દાખલ થઈ ગયા અને અમારી રોજિંદી બેઠકમાં ગોઠવાઈ ગયા. પાંચેક મિનિટની ચૂપકીદી પછી મારાથી ન રહેવાયું અને પૂછી બેઠો, ‘મિ. લાલજી, આજે કંઈ વધારે કામ છે કે પછી અમારાથી નારાજ છો? અમને આવકાર્યા પણ નહિ!’’

‘જે સમજવું હોય તે સમજી શકો છો, પણ આજે મારો મુડ નથી.’ તેમણે ગમગીન અવાજે જવાબ વાળ્યો.

મિ. જેફે પણ મિ. લાલજીને મુડમાં લાવવા પોતાનું મૌન તોડતાં અંગ્રેજીમાં કહ્યું,”ધેર ઈઝ એ સ્વિડીશ પ્રોવર્બ: ‘શેર્ડ જોય ઈઝ ડબલ જોય, શેર્ડ સોરો ઈઝ હાફ સોરો’; મતલબ કે ‘સુખ વહેંચવાથી સુખ બેવડાય અને દુ:ખ વહેંચવાથી દુ:ખ અર્ધું થાય.’”

‘આજે મારો અંગ્રેજી બોલવાનો પણ મુડ નથી. હું આપ બેઉને માનસન્માન આપું છું, પણ મેં નહોતું ધાર્યું કે આપ ચીભડાના ચોરને ફાંસીની સજા કરાવશો.’

મિ. લાલજીના આ વિધાનથી હું આશ્ચર્યચકિત થઈ ગયો અને મિ. જેફના ચહેરા ઉપરથી લાગ્યું કે તેઓ પણ હેરત પામી ગયા હતા.

મેં કહ્યું, ‘ભલા માણસ, વાતનો કંઈ ફોડ પાડશો કે પછી અમને મૂંઝવણમાં જ રાખશો? અમે ભલા તમને ફાંસીની સજા કરાવનારા કોણ?’

‘મારા પોસ્ટમેને મને બધું જ કહી દીધું છે. પરમ દિવસે શનિવારે સાંજે પાંચ વાગ્યાના બદલે મારે વતનમાં થોડું કામ હોઈ હું ત્રણ વાગ્યે જતો રહ્યો હતો અને તમે આમારી હેડઓફિસમાં ફરિયાદ કરીને મારી બદલી પણ કરાવી દીધી.’

‘અરે, એ તો અમે મળવા આવ્યા અને તમે હતા નહિ; એટલે પોસ્ટમેનને મજાકમાં કહ્યું હતું.’

‘સાહેબો, વાત ઉડાડી મૂકો નહિ. આજની તારીખનો જ બદલીનો ઓર્ડર છે અને મને આજની ટપાલમાં જ મળ્યો છે. વળી હેડ ક્લાર્કનો ફોન પણ આવી ગયો અને કહી દીધું કે ટ્રાન્ઝીટ લિવ એન્કેશ કરાવી દેજો અને કાલે જ અહીં બદલીના સ્થળે હાજર થઈ જશો. તેઓ ચાર્જ લેવા એક ક્લાર્કને ટેમ્પરરી મોકલે છે.’ આટલું બોલતાં જ તેમની આંખોમાં આંસુ તગતગવા માંડ્યાં.

‘મિ. લાલજી, આ તો કાગનું ઊડવું અને ડાળનું તૂટવા જેવું થયું લાગે છે. મિ. જેફે તો પોસ્ટમેનેને માત્ર મજાકમાં કહ્યું હતું કે તારા સાહેબ બે કલાક વહેલા જતા રહ્યા છે એ ફરજચૂક કહેવાય. અમારા અમેરિકામાં આવું હરગિજ ચાલે નહિ. અમારે કમ્પલેઈન્ટ કરવી પડશે.’

‘હવે સાહેબો, વાત ફેરવી તોળો નહિ. મેં હેડ ક્લાર્ક સાહેબને કારણ પૂછ્યું હતું તો તેમણે કમ્પલેઈન્ટ મળ્યાનું જણાવ્યું હતું.’

‘બીજા કોઈની અગાઉની કમ્પલેઈન્ટ હશે. મિ. લાલજી, અમારા ઉપર વિશ્વાસ રાખો. અમારી કમ્પલેઈન્ટ ઉપર આટલી જલ્દી તમારી બદલી થાય ખરી?’

‘કેમ નહિ? તમે શનિવારે ફોન કર્યો હોય અને આજે જ ઓર્ડર લખાઈને આજે જ રવાના થઈ શકે. અમારી હેડઓફિસ દસ કિલોમીટર જ તો દૂર છે ને! વળી આપ સાહેબોનું વર્ચસ્વ જેવું તેવું થોડું હશે!’

‘અમારી જેમ તમારા હેડક્લાર્કે પણ તમારી મજાક કરી હોવાનું બની શકે ને! ફોન જોડીને ખાત્રી કરી લો અથવા સ્પીકર ઓન કરીને મને ફોન જોડી આપો તો હું પૂછી લઉં. ભલા માણસ, એકાદ માસ માટે હું ઇન્ડિયા હોઉં અને કોઈનું અહિત શા માટે કરું?’ મિ. જેફે કહ્યું.

‘તમે નહિ તો આ વિલિયમ સાહેબે એ પરાક્ર્મ કર્યું હોય!’

દડો મારી કોટમાં આવી ગયો હતો. હવે મિ. લાલજી આગળ મારે જ મારો બચાવ કરવાનો હતો. મેં કહ્યું, ‘જુઓ લાલજી સાહેબ, હાથ કંગનકો આરસી કયા? ફોન જોડી આપો એટલે વાત થાય ટૂંકી!’

‘મારો ડિપાર્ટમેન્ટનો ફોન અંગત કામે ન વાપરી શકાય. આપના મોબાઈલથી હું અમારા દવે સાહેબનો મોબાઈલ નંબર આપું અને સ્પીકર ઓન થકી તમે જ વાત કરી લો. હું પૂછું તો મારા સામે શિસ્તભંગનાં પગલાં લેવાય. અમારું સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ કહેવાય. અમારે ઉપરીના ઓર્ડરને માન આપવું જ પડે, સમજ્યા ? નો અપીલ ફપીલ.’

મેં ફોન જોડ્યો અને વાત શરૂ કરી.

‘હેલો, મિ. દવે સાહેબ?’

‘જી, આપ કોણ?’

‘હું કાણોદર ગામનો જાગૃત નાગરિક બોલું છું. હમણાં જ મારા જાણવામાં આવ્યું છે કે અઠવાડિયા પહેલાં જ બદલી પામીને આવેલા અમારા ગામના પોસ્ટમાસ્ટર શ્રી લાલજીભાઈ પટેલની બદલી થઈ છે. તેઓશ્રી ખૂબ જ માયાળુ છે અને ગામલોકોને તેમના કામકાજ અને સહકારની ભાવનાથી પૂર્ણ સંતોષ છે. હું ગ્રામજનો વતી વિનંતી કરું છું કે આપ એમની બદલી મોકુફ રાખો તો આપની ખૂબ જ મહેરબાની.’

સામેથી જવાબ મળ્યો,‘પહેલાં તો આપની પાસેથી જાણવા માગું છું કે આપ મિ. પટેલના કહેવાથી ભલામણ કરતા હોવ તો તેમના માટે એ શિસ્તભંગ કહેવાય.’

‘ના સાહેબ, એવી કોઈ વાત નથી. મારા એક મિત્ર અમેરિકાથી એકાદ માસ માટે ઇન્ડિયા આવ્યા છે. અમે દરરોજ સાંજે અમારી ટપાલની તપાસ માટે રૂબરૂ આવતા હોઈએ છીએ. એમણે સહજ રીતે અમને જાણ કરી કે આજે તેમની નોકરીનો છેલ્લો દિવસ છે. અમે તેમના જેવા કર્તવ્યનિષ્ઠ માણસને ગુમાવવા ન માગતા હોઈ તેમની પાસેથી ખૂબ જ આગ્રહ કરીને આપનો મોબાઈલ નંબર મેળવ્યો છે. આપની પાસેથી અમારે જાણવું છે કે અમારા ગામના કોઈ વિઘ્નસંતોષી ઈસમે તેમના વિષે કોઈ કમ્પલેઈન્ટ તો નથી કરી ને?’

‘એવી કોઈ કમ્પલેઈન્ટ અમને નથી મળી. વળી અમારા એ માણસને અમારું ડિપાર્ટમેન્ટ માનની નજરે જુએ છે. તદુપરાંત એકાદ અઠવાડિયાની તેમની તમારા ત્યાંની નોકરીમાં એમ બનવાનો સંભવ પણ નથી કે કોઈને તેમની સાથે કોઈ વાંધો પડ્યો હોય! બાય ધ વે, કહું તો મેં તેમને ગમ્મતમાં ફોન ઉપર જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધની કમ્પલેઈન્ટ મળી છે. તેઓ બદલીનું કારણ જાણવા માગતા હતા અને અમે નિયમાનુસાર કારણ આપી શકીએ નહિ એટલે મેં હળવી મજાક કરી લીધી હતી.’

‘પણ સાહેબ આવા નિષ્ઠાવાળા કર્મચારીને એવી મજાક ભારે ન પડી જાય!’

‘તમે પોસ્ટઓફિસેથી બોલતા હોવ તો ફોન તેમને આપો. હું મારી એ હરકત બદલ દિલગીરી વ્યક્ત કરી લઉં.’

‘ના જી, હું બહારથી બોલું છું. હવે આપને વાંધો ન હોય તો આપ તેમની બદલીનું કારણ જણાવી શકશો?’

‘ના, એ શક્ય નહિ બને; પણ હા, એક અપવાદ તરીકે અને તેમના સંતોષ માટે તેમને હું હમણાં જ લેન્ડલાઈન ફોન દ્વારા કારણ જણાવી દઉં છું અને સાથે સાથે મારી દિલગીરી પણ જણાવી દઈશ. અમે ગર્વ લઈએ છીએ કે મિ. પટેલે એક જ અઠવાડિયામાં સારી લોકચાહના મેળવી લીધી છે. હું આપનું નામ જાણી શકું છું?’

‘હું મારા નીક નેઈમ ‘વિલિયમ’થી ઓળખાઉં છું.’

‘વિલિયમ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ લોકોએ અમારા મિ. પટેલની સાચી કદર કરી જાણી છે. હવે હું ફોન પૂરો કરું?’

અમારી વાતચીત દરમિયાન મિ. પટેલે અગાઉથી લેન્ડલાઈન ફોન સ્પીકર ઓન કરી દીધો કે જેથી એ બંનેની વાતચીત અમે પણ સાંભળી શકીએ.

થોડીક જ વારમાં ફોન રણક્યો. મિ. દવે અને મિ. પટેલ વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ :

‘મિ. પટેલ, આઈ એમ સોરી. મેં તો તમારી વિરુદ્ધ કમ્પલેઈન્ટ હોવાની માત્ર મજાક કરીને તમારી બદલીનું કારણ જાણવાની વાતને ઉડાડી દીધી હતી. તમારા સંતોષ માટે હું આપણા ડિપાર્ટમેન્ટની આચારસંહિતાનો ભંગ કરીને જણાવું છું કે તમારી એક જ અઠવાડિયા માટેની કામચલાઉ અને તાકીદના ધોરણની બદલી પાલનપુરની હાઈવે બ્રાન્ચના પોસ્ટમાસ્ટર તરીકે થઈ છે. વળી પાછા અઠવાડિયા પછી તમને કાણોદર જ પાછા મોકલી દેવાના છે. તમારી નિષ્ઠાપૂર્ણ નોકરીની કદર રૂપે ડિપાર્ટમેન્ટે તમારાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે તમારી માગણીથી તમને કાણોદર બદલવામાં આવ્યા અને આમ એક જ અઠવાડિયામાં તમને ઉપાડી લેવાય ખરા? અહીંની હાઈવે બ્રાન્ચના પોસ્ટમાસ્ટરને હાર્ટએટેક આવ્યો હોઈ તમને કામચલાઉ બદલી આપવામાં આવી છે. કાણોદરની બ્રાન્ચની કક્ષા એવી છે કે ત્યાં કોઈ અનુભવી ક્લાર્કને પણ કામગીરી સોંપી શકાય, જ્યારે હાઈવે બ્રાન્ચમાં તો પોસ્ટમાસ્ટર જ જોઈએ ને! તમે નિશ્ચિંતપણે તમારા કુટુંબને કાણોદર બોલાવી શકો છો અને બાળકોને ત્યાં શાળાપ્રવેશ પણ અપાવી શકો છો. મારી વાતથી તમને સંતોષ થયો ખરો?’

મિ. લાલજી ગળગળા અવાજે માત્ર એટલું જ બોલી શક્યા, ‘દવે સાહેબ, હું વધારે તો શું કહું; પણ મારી આજસુધીની નોકરી સાર્થક પુરવાર થઈ. આપ અધિકારી સાહેબોએ મારી જે કદર કરી છે, તે મારા માટે રાષ્ટ્રપતિના ચંદ્રકથી પણ ખૂબ જ અધિક છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું ફોન મૂકું?’

ફોન પૂરો થતાંની સાથે જ મિ. લાલજી પટેલ ખુરશીમાંથી સફાળા ઊભા થઈને અમને ભેટી પડતાં રડમસ અવાજે બોલી ઊઠ્યા, ‘મિ. જેફ સાહેબ, મારા ફરી કાણોદર આવ્યા પછી પણ આપ પંદરેક દિવસ રોકાવાના છો. આપને જે સજા કરવી હોય તે કરજો, પરંતુ હું આપની સાથે મારી ઠોકંઠોક અંગ્રેજી ભાષામાંજ વાત કરીશ. મિ. વિલિયમ સર, આપ તો અહીં ખાતે જ છો. આપ પણ મારી પાસે નિયમિત આવતા જતા રહીને મારા અંગ્રેજી બોલવાના અભરખાને પૂરો કરતા રહેશો.’

‘મિ. લાલજી, આપણા વિયોગ વચ્ચેનું અઠવાડિયું મને તો એક યુગ જેટલું લાંબું લાગશે. હવે અમારા સંતોષ ખાતર અબ ઈંગ્લીશમેં કુછ હો જાય.’ મિ. જેફે મિ. લાલજીને મુડમાં લાવવા કહ્યું.

‘વ્હાય નોટ. આઈ સેટીસફાય વેરી મચ. યુ મેન વેરી વેરી માયાળુ. યુ નોટ નો, પણ પ્યુપીલ નો મી એઝ મિ. લાલજી માયાળુ. આઈ સ્પીકીંગ ‘માયાળુ’ વારંવાર ઈન માય ટોકીંગ. સો પ્યુપીલ નો મી એઝ લાલજી માયાળુ. વોટ ઈઝ ટેકીંગ વિથ અસ આફ્ટર ડાઈંગ, હેં? ઓન્લી માયાળુપણું, વોટ અધર? વ્હેન વી બર્થ, કમ વિથ બંધ મુઠ્ઠી; એન્ડ ગો વિથ ખુલ્લા હેન્ડ! વ્હેન ડાઈંગ વી હેવ નો પોકેટ ઈન અવર કફન કે કોટિયું!’

‘મિ. લાલજી, તમારા માટે વધારે તો શું કહેવું; માત્ર એટલું જ કહીશ કે તમે સાચે જ અબ્દુલ્લાહ છો. જો જો પાછા તમે ‘અબ્દુલ્લાહ’ને અવળા અર્થમાં ન લેતા. અબ્દ એટલે બંદો કે ભક્ત અને અલ્લાહ એટલે ઈશ્વર કે ભગવાન. અબ્દુલ્લાહ અને ભગવાનદાસના અર્થો એક સરખા જ છે, સમજાયું? વળી તમે ‘માયાળુ’ શબ્દ વારંવાર બોલો છો, તેને ઉર્દૂમાં તકિયા કલામ કહેવાય. હવે તમને ખોટું ન લાગે તો હાલ પૂરતા તમારા બે જ શબ્દો સુધરાવું કે તમારે પ્યુપીલના બદલે પીપલ અને માયાળુના બદલે કાઈન્ડ બોલવું જોઈએ. આમ છતાંય અંગ્રેજી બોલવાના તમારા ડેરીંગને કોટિ કોટિ ધન્યવાદ આપું છું. ચાલો, તો આપણે છૂટા પડીશું?’ મિ. જેફે અમારી બેઠકની પૂર્ણાહુતિ કરતાં કહ્યું.

છેલ્લે મિ. લાલજી પટેલ ઉવાચ :”યેસ, એક્ઝેટલી. બટ વિઝિટ નેક્સટ વીક ચોક્કસ. બાય બાય. એન્ડ મુખ્ય વાત તો કહેવાની રહી ગઈ, મારું બેટું! આઈ સોરી ફોર માય મિસ્ટેક. યુ આર ખરેખર કાઈન્ડ. અને પેલું તકિયાવાળું શું? મારું બેટું યાદ રાખવા જેવું છે, હોં? હવે મને ખબર પડી કે લોકો મને ‘મિ. લાલજી માયાળુ’ કેમ કહે છે?”

મેં યાદ અપાવ્યું, ‘તકિયા કલામ.’

– વલીભાઈ મુસા