*પાગલપન* (અછાંદસ કાવ્ય)
સમજદારોની આ ભીડમાં,
મને મારું આ પાગલપન વહાલું છે,
જ્યાં દુનિયાના કોઈ નિયમો નથી નડતા,
એવું મારું એક અલાયદું આલમ છે.
લોકો ગણતરીઓ માંડે છે નફા-નુકસાનની,
અને હું અહીં પતંગિયા પાછળ દોડું છું,
તેઓ દીવાલો ચણે છે સંબંધોની આસપાસ,
ને હું વહેતા પવન સાથે વહેવાનું શીખું છું.
હા, પાગલપન છે મારું...
કે હું પથ્થરોમાં પણ સ્મિત શોધી લઉં છું,
ભરબપોરે આકરા તાપની વચ્ચે,
હું વરસાદના સપનાઓ જોઉં છું.
કહે છે બધા કે તું વહેવારુ નથી,
પણ વહેવારના નામે મારે મારો આત્મા નથી વેચવો,
દુનિયા જેને 'પાગલ' કહીને હસે છે,
મારે તો બસ એ જ મસ્તીનો ઘૂંટડો પીવો છે.
આ પાગલપન જ તો જીવાડે છે મને,
નહિતર દુનિયા વહેલી તકે લાશ બનાવી દેત,
જો ન હોત આ થોડુંક પાગલ પન લોહીમાં,
તો આ જિંદગી સાવ કોરી કિતાબ "સ્વયમ્'ભૂ'," રહી જાત.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ',"